Blackbeard Missile : અમેરિકી હાઈપરસોનિક મિસાઈલ 'બ્લેકબિયર્ડ'નો પ્રથમ ટેસ્ટ સફળ, 7 મિનિટમાં જશે 800 કિલોમીટર દૂર


Blackbeard Missile
Blackbeard Missile : અમેરિકી હાઈપરસોનિક મિસાઈલ 'બ્લેકબિયર્ડ'નો પ્રથમ ટેસ્ટ સફળ, 7 મિનિટમાં જશે 800 કિલોમીટર દૂર


Blackbeard Missile
Blackbeard Missile : અમેરિકી નૌકાદળે પોતાના નવા હાઈપરસોનિક સ્ટ્રાઈક મિસાઈલ 'બ્લેકબિયર્ડ'ના પ્રથમ ફ્લાઈટ ટેસ્ટનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં આ મિસાઈલ F/A-18E/F સુપર હોર્નેટ ફાઈટર જેટના પાંખ નીચે લગાવવામાં આવેલી જોવા મળે છે. આ મિસાઈલનો વિકાસ કેસ્ટેલિયન કંપની દ્વારા અમેરિકી નેવીના મલ્ટી-મિશન અફોર્ડેબલ કેપેસિટી ઈફેક્ટર એટલે કે MACES કાર્યક્રમ હેઠળ કરવામાં આવી રહ્યો છે.
રેન્જ લગભગ 800 કિલોમીટર હોવાનો દાવો
બ્લેકબિયર્ડને મેક 5થી વધુ ઝડપે ઉડાન ભરવા માટે ડિઝાઈન કરવામાં આવી હોવાનું જણાવાય છે. તેની પેલોડ ક્ષમતા આશરે 34 કિલોગ્રામ અને રેન્જ લગભગ 800 કિલોમીટર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને દુશ્મનના યુદ્ધજહાજો અને દરિયાઈ લક્ષ્યો સામે લાંબા અંતરેથી હુમલો કરવા માટે આ મિસાઈલ મહત્વપૂર્ણ બની શકે છે. બ્લેકબિયર્ડની સૌથી મોટી વિશેષતા તેની ઓછી કિંમત અને મોટાપાયે ઉત્પાદન કરવાની ક્ષમતા હોવાનું જણાવાય છે. પ્રતિ મિસાઈલ કિંમત આશરે 3 લાખ અમેરિકી ડોલર એટલે કે લગભગ રૂ. 2.88 કરોડ હોવાનું કહેવાય છે.
2028 સુધીમાં મર્યાદિત સંખ્યામાં મિસાઈલ તૈનાત કરવાનો લક્ષ્યાંક
અમેરિકી નેવી દર વર્ષે આશરે 500 મિસાઈલના ઉત્પાદનનો લક્ષ્યાંક ધરાવે છે. હાલ તેનું પરીક્ષણ F/A-18E/F સુપર હોર્નેટ પર ચાલી રહ્યું છે. અમેરિકી નૌકાદળ 2028 સુધીમાં મર્યાદિત સંખ્યામાં મિસાઈલ તૈનાત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ત્યારબાદ તેને F-35 ફાઈટર જેટ સાથે પણ ઈન્ટિગ્રેટ કરવાની યોજના છે. F-35ના આંતરિક વેપન બેમાં મિસાઈલને સામેલ કરવામાં આવે તો તેની સ્ટીલ્થ ક્ષમતા જાળવી રાખીને લાંબા અંતરના હુમલા કરી શકાય તેવી ક્ષમતા વિકસશે.
MACES કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઓછા ખર્ચે અને મોટી સંખ્યામાં હાઈપરસોનિક હથિયારો ઉપલબ્ધ કરાવવાનો છે. પરંપરાગત હાઈપરસોનિક હથિયારોની સરખામણીએ બ્લેકબિયર્ડને ઝડપથી ઉત્પાદન કરી શકાય તે રીતે વિકસાવવામાં આવી રહી છે. આ મિસાઈલથી અમેરિકી નૌકાદળની નેટવર્ક-સેન્ટ્રિક વોરફેર અને દરિયાઈ હુમલાની ક્ષમતામાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં લાંબા અંતરના હુમલા માટે આ પ્રકારની ટેક્નોલોજીનું વ્યૂહાત્મક મહત્વ વધી રહ્યું છે.
આ પણ વાંચો : Iran America War : ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફનો મોટો દાવો, કહ્યું 'હોર્મુઝ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ'





