Get News Alerts

Never miss breaking news updates.

Bangkok Rain : બેંગકોકમાં મૂશળધાર વરસાદથી પૂરની સ્થિતિ, 50 જિલ્લાઓને આપત્તિગ્રસ્ત જાહેર કરાયા

Bangkok Rain : થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદના કારણે શહેરની નહેરો છલકાઈ ગઈ છે.
Kunjan ShuklaUpdated on: 26 Sep 2026 06:10 PM IST
Bangkok Rain : બેંગકોકમાં મૂશળધાર વરસાદથી પૂરની સ્થિતિ, 50 જિલ્લાઓને આપત્તિગ્રસ્ત જાહેર કરાયાBangkok Rain : બેંગકોકમાં મૂશળધાર વરસાદથી પૂરની સ્થિતિ, 50 જિલ્લાઓને આપત્તિગ્રસ્ત જાહેર કરાયા

Bangkok Rain

Bangkok Rain : થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદના કારણે શહેરની નહેરો છલકાઈ ગઈ છે અને અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને બેંગકોક મેટ્રોપોલિટન એડમિનિસ્ટ્રેશને શહેરના તમામ 50 જિલ્લાઓને આપત્તિગ્રસ્ત જાહેર કર્યા છે.

300 મિલીમીટર વરસાદ નોંધાયો

મળતી માહિતી મુજબ, ગુરુવાર બપોરથી બેંગકોકમાં અંદાજે 300 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે શહેરની અનેક નહેરોમાં પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે. સેન્ટ્રલ બેંગકોકની ઉત્તરે આવેલી એક નહેરનું પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું છે. અનેક ઘરો, દુકાનો, રેસ્ટોરાં અને ગલીઓમાં ગંદુ પાણી ભરાઈ ગયું છે.

બેંગકોકના ગવર્નરે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી

શનિવારે શહેરના અનેક મુખ્ય રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં લોકોને ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. બેંગકોકના ગવર્નર ચાડચાર્ટ સિટ્ટીપુન્ટે લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે શહેરની લગભગ તમામ નહેરો ભરાઈ ગઈ છે અને પૂર્વીય વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. બેંગકોક પ્રશાસને રાહત અને બચાવ કામગીરી માટે એક લાખ રેતીની બોરીઓ તૈયાર કરી છે. આ ઉપરાંત કેટલીક શાળાઓમાં અસ્થાયી આશ્રયસ્થાનો પણ ખોલવામાં આવ્યા છે. પાણીના નિકાલ માટે શહેરના પમ્પિંગ સ્ટેશનોને સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત કરવામાં આવ્યા છે.

થાઈલેન્ડના વડાપ્રધાને પોતાની લંડન મુલાકાત અધવચ્ચે છોડી

પ્રશાસનના જણાવ્યા મુજબ, પમ્પિંગ સ્ટેશનો દ્વારા કુલ આશરે 1,200 ઘનમીટર પ્રતિ સેકન્ડના દરે પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર સ્થિર થવા લાગ્યું હોવાનું જણાવાયું છે. આ દરમિયાન થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચર્નવીરાકુલે બેંગકોકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને લંડનની પોતાની મુલાકાત અધવચ્ચે છોડીને પરત ફરવાનો નિર્ણય કર્યો છે. થાઈલેન્ડમાં 2011માં આવેલા વિનાશક પૂર દરમિયાન 500થી વધુ લોકોના મોત થયા હતા અને લાખો મકાનોને નુકસાન થયું હતું. હાલ તંત્ર દ્વારા સંભવિત જોખમ ધરાવતા વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Brazil : રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લૂલા દા સિલ્વાનો ચૂંટણી પહેલા મોટો નિર્ણય, ફિક્સ્ડ-ઓડ્સ ઓનલાઈન બેટિંગ પર મુક્યો પ્રતિબંધ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.