Balochistanમાં પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલાનો દાવો, મહિલા વિંગે 9 જવાનોને કર્યા ઠાર


Balochistan
Balochistanમાં પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલાનો દાવો, મહિલા વિંગે 9 જવાનોને કર્યા ઠાર


Balochistan
Balochistan : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને બલૂચ વિદ્રોહી સંગઠનો વચ્ચેનો સંઘર્ષ વધુ ગંભીર બન્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) સાથે જોડાયેલી નવી મહિલા વિંગ 'કરીમા આર્મ્ડ અસોલ્ટ ડિવિઝન' (KAAD) દ્વારા પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હુમલામાં 9 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા
BLF દ્વારા હુમલાનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. સંગઠનના દાવા પ્રમાણે, KAADની મહિલા લડાકુઓએ કલાતના મંગોચર વિસ્તારમાં CPEC રૂટ પર પાકિસ્તાની સેનાના ક્વિક રિએક્શન ફોર્સ (QRF)ના કાફલાને નિશાન બનાવ્યો હતો. BLFનો દાવો છે કે આ હુમલામાં 9 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને કેટલાક અન્ય સૈનિકો ઘાયલ થયા છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
KAADનું આ બીજું ઓપરેશન
જાહેર કરાયેલા વીડિયોમાં મહિલા લડાકુઓને સૈન્ય કાફલા પર હુમલો કરતા દર્શાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક મહિલા કમાન્ડર પોતાની ટીમના સભ્યોને મિશન અંગે માહિતી આપતી જોવા મળે છે. ત્યારબાદ KAADના સભ્યોની તાલીમ અને ઓપરેશન દરમિયાન સૈન્ય વાહનોના કાફલા પર ફાયરિંગના દૃશ્યો પણ જોવા મળે છે. BLFના જણાવ્યા અનુસાર, આ KAADનું બીજું ઓપરેશન છે. સંગઠને અગાઉ પણ મહિલા લડાકુઓની આ નવી યુનિટ દ્વારા કામગીરી કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.
CPEC પ્રોજેક્ટનો બલૂચ વિદ્રોહી સંગઠનો લાંબા સમયથી વિરોધ કરતા આવ્યા છે
હુમલો તુર્બતના જોસક વિસ્તારમાં CPEC રોડ પર QRFના કાફલા સામે કરવામાં આવ્યો હોવાનો BLFનો દાવો છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવનો મહત્વપૂર્ણ ભાગ છે અને બલૂચિસ્તાનમાંથી પસાર થાય છે. CPEC પ્રોજેક્ટને લઈને બલૂચ વિદ્રોહી સંગઠનો લાંબા સમયથી વિરોધ કરતા આવ્યા છે અને ચીનના પ્રોજેક્ટ્સ તથા પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવવાના અગાઉ પણ અહેવાલો આવ્યા છે. જોકે, આ હુમલા અને તેમાં થયેલા નુકસાન અંગે પાકિસ્તાની સત્તાવાળાઓ તરફથી સત્તાવાર પુષ્ટિ અંગેની માહિતી અહીં ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો : America : રાક્ષસી વાવાઝોડાનું બીજું નામ 'નોર ઈસ્ટર'





