Balochistan Attacks: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સેનાને નિશાન બનાવી ડ્રોન અને IED હુમલા, અનેક લોકોના મોતની આશંકા


Balochistan Attacks
Balochistan Attacks: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સેનાને નિશાન બનાવી ડ્રોન અને IED હુમલા, અનેક લોકોના મોતની આશંકા


Balochistan Attacks
Balochistan Attacks: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા દળો પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. મસ્તુંગ અને કલાત જિલ્લામાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવી ડ્રોન અને IED દ્વારા અનેક હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ હુમલાઓમાં અનેક લોકોના મોત અને ઘાયલ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ સૈન્ય ઠેકાણાઓ અને વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સૈન્ય કેમ્પ પર બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો
મસ્તુંગ જિલ્લાના ખાદકોચા વિસ્તારમાં આવેલા મુખ્ય સૈન્ય કેમ્પ પર ઓછામાં ઓછા બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક અહેવાલોમાં કેટલાક પાકિસ્તાની સુરક્ષાકર્મીઓના હતાહત થવાની માહિતી સામે આવી છે. આ હુમલામાં સૈન્ય કેમ્પને પણ નુકસાન થયું હોવાનું કહેવાય છે. બીજી તરફ, કલાત જિલ્લાના મરજાન વિસ્તારમાં IED હુમલામાં પાકિસ્તાની સેનાનું એક વાહન નષ્ટ થયું હતું. જોકે, આ હુમલાઓ પાછળ કયા સંગઠનનો હાથ છે તે હજુ સ્પષ્ટ થયું નથી. કોઈ સંગઠને સત્તાવાર રીતે જવાબદારી સ્વીકારી નથી.
એક સુરક્ષાકર્મીનું મોત
આ ઉપરાંત ચાગાઈના નોકચાહ વિસ્તારમાં ક્વેટા-તાફતાન હાઈવે પર હથિયારધારી લોકોએ રસ્તો રોકીને બે કોમર્શિયલ વાહનો કબજે કર્યા હતા. અહેવાલો અનુસાર તેમાંથી એક વાહનમાં કિંમતી પથ્થરો લઈ જવામાં આવી રહ્યા હતા. આ ઘટનાઓના એક દિવસ અગાઉ બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સ (BRG) એ કચ્છી જિલ્લામાં ડ્રોન હુમલા અને સૈન્ય કાફલા પર ઘાતકી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. સંગઠનના પ્રવક્તા દોસ્તૈન બલૂચે દાવો કર્યો હતો કે બાગ વિસ્તારમાં સંયુક્ત સૈન્ય-પોલીસ કેમ્પ પર ડ્રોન હુમલામાં એક સુરક્ષાકર્મીનું મોત થયું હતું, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પડકાર
ત્યારબાદ બોલાન વિસ્તારમાં સૈન્ય કાફલા પર રોકેટ અને ભારે હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરાયો હતો. તેમાં ચાર સુરક્ષાકર્મીઓના મોત અને અનેક લોકો ઘાયલ થયાનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે BRGએ 30 ઓક્ટોબરે પોતાની ડ્રોન યુનિટ 'આમિર એરો ગાર્ડિયન્સ'ની રચનાની જાહેરાત કરી હતી. બલૂચિસ્તાનમાં સતત વધી રહેલા ડ્રોન હુમલાઓને કારણે પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પડકાર ઊભો થયો છે.




