India UAE Relations: ભારત-UAE વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશા આપવા ચર્ચા, વિદેશપ્રધાને UAEના રાજદૂત સાથે કરી મુલાકાત

India UAE Relations: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે નવી દિલ્હીમાં ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ્લા સૈફ અલ નુઆઈમી સાથે મુલાકાત કરી હતી.
Kunjan Shukal
Kunjan Shukal
India UAE RelationsIndia UAE Relations

India UAE Relations

India UAE Relations: ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો તેજ થયા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે નવી દિલ્હીમાં ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ્લા સૈફ અલ નુઆઈમી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં વિદેશ મંત્રાલયના અતિરિક્ત સચિવ (ગલ્ફ) અસીમ મહાજન સહિત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત બાદ એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે UAEના રાજદૂત સાથેની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

લાંબા ગાળાની વ્યાપારી ભાગીદારી વિકસાવવા અંગે ચર્ચા થઈ

ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 1 અને 2 નવેમ્બરના રોજ UAEની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અબુ ધાબીના નાણાં વિભાગના અધ્યક્ષ અને અલ ઇમાદ હોલ્ડિંગ કંપનીના CEO જસ્સેમ મોહમ્મદ અલ ઝાબી સાથે મુલાકાત કરી હતી. જેમાં બંને દેશો વચ્ચે રોકાણ વધારવા અને લાંબા ગાળાની વ્યાપારી ભાગીદારી વિકસાવવા અંગે ચર્ચા થઈ હતી.

વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ

આ ઉપરાંત વિક્રમ મિસરીએ અબુ ધાબીના સંસ્કૃતિ અને પ્રવાસન વિભાગના અધ્યક્ષ મોહમ્મદ ખલીફા અલ મુબારક સાથે પણ બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રવાસન, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને 'હાઉસ ઓફ ઈન્ડિયા' જેવા પ્રોજેક્ટ્સમાં સહયોગની સંભાવનાઓ પર વિચારવિમર્શ થયો હતો. UAEના રાજ્ય મંત્રી અને ભારત માટેના વિશેષ દૂત રીમ અલ હાશિમી સાથેની બેઠકમાં પણ બંને દેશોની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવામાં આવી હતી. પશ્ચિમ એશિયાની સ્થિતિ સહિત વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. આ તમામ બેઠકો ભારત અને UAE વચ્ચે રાજદ્વારી, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચો: Cricket Scotland: અફઘાનિસ્તાન સામે દ્વિપક્ષીય શ્રેણી નહીં રમે સ્કોટલેન્ડ, ICC ટૂર્નામેન્ટમાં જ થશે મુકાબલો