Telangana Accident: ટ્રકની ઓટો-રિક્ષાને ટક્કરથી એક જ પરિવારના 4નાં મોત, આંધ્રપ્રદેશમાં પણ બે અકસ્માત


Telangana Vikarabad road accident auto truck collision તેલંગાણા અકસ્માત
Telangana Accident: ટ્રકની ઓટો-રિક્ષાને ટક્કરથી એક જ પરિવારના 4નાં મોત, આંધ્રપ્રદેશમાં પણ બે અકસ્માત


Telangana Vikarabad road accident auto truck collision તેલંગાણા અકસ્માત
Telangana Accident: તેલંગાણાના વિકારાબાદ જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રકે ઓટો-રિક્ષાને જોરદાર ટક્કર મારતાં એક જ પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત બાદ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બીજી તરફ, આંધ્રપ્રદેશમાં પણ બે અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં ખાનગી બસના ચાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે એક તેલુગુ ટીવી શોના બે કલાકારોને પણ ઈજા પહોંચી હતી.
ટ્રકની ટક્કરથી ઓટો-રિક્ષાના ચાર મુસાફરોનાં મોત
તેલંગાણાના વિકારાબાદ જિલ્લામાં બુગ્ગા રામેશ્વરમ નજીક આ અકસ્માત સર્જાયો હતો. પેન્ડલિમુડુગુ ગામથી કેરેલી તરફ જઈ રહેલી ઓટો-રિક્ષાને એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ઓટો-રિક્ષાના ચાલક સહિત તેમાં સવાર ત્રણ મહિલાઓનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકો એક જ પરિવારના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેઓ કોઈ કામ માટે બીજા ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી.
એક જ પરિવારના ચાર લોકોનાં મોતથી શોકનો માહોલ
આ અકસ્માતમાં નાગેશ, ચંદ્રમ્મા, પર્વતમ્મા અને સરિતાનાં મોત થયા છે. ચારેય પેન્ડલિમુડુગુ ગામના રહેવાસી હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલ્યા હતા. પોલીસે ટ્રક ચાલકને કસ્ટડીમાં લીધો છે. આ મામલે કેસ નોંધીને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશમાં ટાયર ફાટતાં ખાનગી બસ ખેતરમાં ખાબકી
આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં પણ માર્ગ અકસ્માતની ઘટના બની હતી. મનુબોલુ ચોકડી નજીક એક ખાનગી ટ્રાવેલ્સ બસનો ટાયર અચાનક ફાટી ગયો હતો. જેના કારણે ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ રસ્તા પરથી લપસીને ખેતરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર ચાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
તેલુગુ ટીવી શોના બે કોમેડિયન પણ અકસ્માતમાં ઘાયલ
આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પાલાકોડેરુ મંડળમાં પેન્નાડા અગ્રહારમ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. કાકીનાડાથી ભીમાવરમ જઈ રહેલી એક કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. આ કારમાં તેલુગુ ટેલિવિઝન શો સાથે જોડાયેલા કલાકારો રાઇઝિંગ રાજુ અને દોરાબાબુ સવાર હતા. અકસ્માતમાં બંને કલાકારોને ઈજા પહોંચી હતી. તેમને ભીમાવરમની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધીને અકસ્માત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.




