Women Reservation Bill: નારી શક્તિને આપેલું વચન દરેક સંજોગોમાં પાળીશું, મહિલા અનામત અને સીમાંકન મુદ્દે PM મોદીની મોટી જાહેરાત


PM Narendra Modi Women Reservation Delimitation Bill 2026 મહિલા અનામત
Women Reservation Bill: નારી શક્તિને આપેલું વચન દરેક સંજોગોમાં પાળીશું, મહિલા અનામત અને સીમાંકન મુદ્દે PM મોદીની મોટી જાહેરાત


PM Narendra Modi Women Reservation Delimitation Bill 2026 મહિલા અનામત
Women Reservation Bill: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત અને લોકસભા-વિધાનસભાની બેઠકોના સીમાંકન મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે દેશની નારી શક્તીને આપેલું વચન દરેક સંજોગોમાં પૂર્ણ કરવામાં આવશે. સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની દિશામાં સરકાર પ્રતિબદ્ધ છે. મહિલા અનામતના અમલ અને સીમાંકનને લઈને કેન્દ્ર સરકાર દ્વારા નવા કાયદાકીય પ્રસ્તાવો રજૂ કરવાની તૈયારી વચ્ચે વડાપ્રધાનનું આ નિવેદન સામે આવ્યું છે.
મહિલા અનામતના વચનને લઈને PM મોદીનું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મહિલાઓને રાજકારણમાં વધુ ભાગીદારી અપાવવાની લડાઈ અનેક દાયકાઓથી ચાલી રહી છે. દેશની અનેક મહિલાઓએ પત્રો લખીને અને વ્યક્તિગત મુલાકાતો દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકાર નારી શક્તીને આપેલું વચન પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.
સંસદ અને વિધાનસભામાં 33 ટકા અનામતનું લક્ષ્ય
મહિલા અનામત કાયદા હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2023માં 106મા બંધારણીય સુધારા દ્વારા આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જોકે, તેનો અમલ સીમાંકન પ્રક્રિયા સાથે જોડાયેલો છે.
મહિલા અનામત માટે નવા કાયદાકીય પ્રસ્તાવો
કેન્દ્ર સરકારે મહિલા અનામત લાગુ કરવાની દિશામાં નવા કાયદાકીય પ્રસ્તાવોને મંજૂરી આપી છે. તેમાં બંધારણ (132મો સુધારો) વિધેયક, 2026 અને સીમાંકન (બીજો) વિધેયક, 2026નો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવોનો મુખ્ય હેતુ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો માર્ગ તૈયાર કરવાનો છે.
લોકસભાની બેઠકો વધારીને 850 કરવાની દરખાસ્ત
નવા પ્રસ્તાવમાં સીમાંકન દ્વારા લોકસભાની મહત્તમ બેઠકો 850 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
- રાજ્યો માટે 815 બેઠકોનો પ્રસ્તાવ.
- કેન્દ્રશાસિત પ્રદેશો માટે 35 બેઠકોનો પ્રસ્તાવ.
- રાજ્ય વિધાનસભાઓની મહત્તમ બેઠકો 650 કરવાની દરખાસ્ત.
આ પ્રસ્તાવ દ્વારા મહિલા અનામતના અમલ સાથે લોકસભા અને વિધાનસભાઓની બેઠકોની સંખ્યામાં ફેરફાર કરવાની યોજના છે.
દક્ષિણનાં રાજ્યોની ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ
સીમાંકનને લઈને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં લોકસભામાં પ્રતિનિધિત્વ ઘટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા પ્રસ્તાવમાં 2051 સુધી લોકસભાની હાલની બેઠકોનું રાજ્યો વચ્ચેનું પ્રમાણ જાળવી રાખવાની વાત કરવામાં આવી છે. આ વ્યવસ્થા દ્વારા રાજ્યો વચ્ચે બેઠકોના વર્તમાન પ્રમાણમાં ફેરફારને ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મહિલા અનામતના અમલને લઈને રાજકીય ચર્ચા તેજ
મહિલા અનામત અને સીમાંકનના મુદ્દે સરકારના નવા પ્રસ્તાવો બાદ રાજકીય ચર્ચા તેજ બની છે. એક તરફ સરકાર મહિલા અનામત લાગુ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહી છે, તો બીજી તરફ સીમાંકન અને બેઠકોની સંખ્યામાં ફેરફારને લઈને વિવિધ રાજકીય પક્ષો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન મોદીએ ફરી સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓને રાજકીય ક્ષેત્રમાં વધુ ભાગીદારી અપાવવાના વચનથી સરકાર પાછળ નહીં હટે.




