Thirupparankundram Deepathoon: 1862થી 2026 સુધી તમિલનાડુના તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર દીવો પ્રગટાવવાનો વિવાદ 164 વર્ષ જૂનો

Thirupparankundram Deepathoon: તમિલનાડુના મદુરાઈ સ્થિત તિરુપ્પરંકુન્દ્રમ પહાડી પર કાર્તિકાઈ દીપમનો દીવો ક્યાં પ્રગટાવવો તે મુદ્દે ચાલી રહેલો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. આ વિવાદનો ઇતિહાસ 1862 સુધી પહોંચે છે.
Nisha Parmar
Nisha Parmar
Thirupparankundram Hill Deepathoon Karthigai Deepam Supreme Court દીપથૂનThirupparankundram Hill Deepathoon Karthigai Deepam Supreme Court દીપથૂન

Thirupparankundram Hill Deepathoon Karthigai Deepam Supreme Court દીપથૂન

Thirupparankundram Deepathoon: તમિલનાડુના મદુરાઈ સ્થિત તિરુપ્પરંકુન્દ્રમ પહાડી પર કાર્તિકાઈ દીપમનો દીવો ક્યાં પ્રગટાવવો તે મુદ્દે ચાલી રહેલો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. આ વિવાદનો ઇતિહાસ 1862 સુધી પહોંચે છે. મંદિર અને દરગાહ નજીક આવેલા પહાડી વિસ્તારના અધિકાર, ધાર્મિક પરંપરા અને દીપ પ્રગટાવવાના સ્થળને લઈને લાંબા સમયથી કાનૂની લડાઈ ચાલી રહી છે. 2025માં મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ વિવાદે ફરી વેગ પકડ્યો હતો અને 2026માં મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.

શું છે દીપથૂન વિવાદ?

મદુરાઈની તિરુપ્પરંકુન્દ્રમ પહાડી પર કાર્તિકાઈ દીપમ ઉત્સવ દરમિયાન દીવો પ્રગટાવવાની ધાર્મિક પરંપરા છે. પહાડીના ઉપરના ભાગમાં આવેલા પથ્થરના સ્તંભને ‘દીપથૂન’ કહેવામાં આવે છે. આ સ્તંભ પર દીવો પ્રગટાવવાની માંગને લઈને હિન્દુ પક્ષ અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે વિવાદ ઊભો થયો છે. દીપથૂનથી આશરે 50 મીટરના અંતરે હઝરત સુલતાન સિકંદર બદુશા ઔલિયા દરગાહ આવેલી છે.

1862 અને 1912માં પણ દીવો પ્રગટાવવાના પ્રયાસ થયા હતા

જૂના કોર્ટ રેકોર્ડ મુજબ, 1862 અને 1912માં દીપથૂન પર દીવો પ્રગટાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જોકે, બંને વખત તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. તે સમયે ત્યાં દીવો પ્રગટાવવાની સ્થાપિત પરંપરા ન હોવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ રીતે વિવાદનો ઇતિહાસ 164 વર્ષ જૂનો હોવાનું સામે આવે છે.

પહાડીના માલિકી હકને લઈને પણ લાંબી કાનૂની લડાઈ

તિરુપ્પરંકુન્દ્રમ પહાડીના માલિકી હકને લઈને પણ અદાલતોમાં લાંબો વિવાદ ચાલ્યો હતો.

- 1923: સબ-કોર્ટે પહાડીના મોટાભાગના વિસ્તાર પર મંદિરનો અધિકાર માન્યો હતો. જોકે, દરગાહ, ત્યાં પહોંચવાના પગથિયાં અને નેલ્લીથોપે વિસ્તાર પર મુસ્લિમ સમુદાયના અધિકારને પણ માન્યતા આપી હતી.

- 1926: મદ્રાસ હાઈકોર્ટે સબ-કોર્ટનો નિર્ણય પલટાવ્યો હતો.

- 1931: લંડનની પ્રિવી કાઉન્સિલે મંદિરની અપીલ સ્વીકારી 1923નો નિર્ણય પુનઃસ્થાપિત કર્યો હતો. તેમાં દરગાહ અને ત્યાં પહોંચવાના રસ્તાના અધિકારો પણ સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.

1996માં હાઈકોર્ટે વૈકલ્પિક સ્થળ અંગે નિર્ણય આપ્યો

1996માં મદ્રાસ હાઈકોર્ટે પરંપરાગત સ્થળ સિવાય પહાડી પર અન્ય સ્થળે દીવો પ્રગટાવવા અંગે વિચારવાની મંદિર વહીવટીતંત્રને મંજૂરી આપી હતી. જોકે, આ માટે ધાર્મિક વિભાગની મંજૂરી જરૂરી રાખવામાં આવી હતી. સાથે જ વૈકલ્પિક સ્થળ દરગાહ, ત્યાં જવાના પગથિયાં અને નેલ્લીથોપે વિસ્તારથી ઓછામાં ઓછું 15 મીટર દૂર હોવાની શરત પણ મૂકવામાં આવી હતી. ત્યારબાદ વર્ષો સુધી ઉચિપિલ્લૈયાર મંદિર નજીકના દીપ મંડપમાં દીવો પ્રગટાવવામાં આવતો રહ્યો હતો.

2025માં ફરી ઉગ્ર બન્યો વિવાદ

- 1 ડિસેમ્બર 2025: મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે દીપથૂન પર કાર્તિકાઈ દીપમ પ્રગટાવવાનો આદેશ આપ્યો.

- 3 ડિસેમ્બર 2025: મંદિર વહીવટીતંત્ર દ્વારા દીપથૂન પર દીવો પ્રગટાવવામાં આવ્યો નહોતો. ત્યારબાદ કોર્ટમાં અવમાનનાની અરજી થઈ.

- 4 ડિસેમ્બર 2025: વહીવટીતંત્રે કાયદો-વ્યવસ્થાની સ્થિતિનો હવાલો આપી લોકોને રોક્યા હતા. હાઈકોર્ટે આ પ્રતિબંધાત્મક આદેશ રદ કર્યો હતો.

- 6 જાન્યુઆરી 2026: મદ્રાસ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે અગાઉના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો.

2026માં મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

ઓગસ્ટ 2026માં તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 20 નવેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે આ વર્ષ માટે 24 નવેમ્બરે દીપથૂન પર એક વખત દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ માત્ર એક વર્ષ માટેની વચગાળાની વ્યવસ્થા છે અને તેનાથી કાયમી માલિકી કે ધાર્મિક અધિકાર નક્કી થતા નથી.

24 નવેમ્બરે દીપથૂન પર દીવો ન પ્રગટાવતાં ફરી વિવાદ

સુપ્રીમ કોર્ટની મંજૂરી છતાં 24 નવેમ્બરે દીપથૂન પર દીવો પ્રગટાવવામાં આવ્યો નહોતો. તેના બદલે ઉચિપિલ્લૈયાર મંદિર નજીકના પરંપરાગત દીપ મંડપમાં દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 27 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આદેશનું પાલન ન થવા બદલ તમિલનાડુ સરકાર અને વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. મંદિરના ટ્રસ્ટ બોર્ડને સસ્પેન્ડ કરી બે નિવૃત્ત હાઈકોર્ટ જજને વહીવટની જવાબદારી સોંપી હતી. સાથે જ 28 નવેમ્બરે દીપથૂન પર દીવો પ્રગટાવવાનો આદેશ આપીને મંદિર અને પહાડીની સુરક્ષા CRPFને સોંપી હતી.

આમ, 1862માં શરૂ થયેલા દીપથૂન પર દીવો પ્રગટાવવાના વિવાદે 2026માં સુપ્રીમ કોર્ટ સુધીનું સ્વરૂપ ધારણ કર્યું છે. ધાર્મિક પરંપરા, સ્થળના અધિકાર અને કાનૂની નિર્ણયોને લઈને આ મામલો ફરી રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad Traffic Police: રેડક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન