GSTN E-Way Bill: હવે મેટ્રો રેલથી માલસામાન મોકલવા માટે પણ બનશે ઈ-વે બિલ, પરિવહનનાં સાધનોની સંખ્યા 4થી વધીને 5 થઈ


GSTN e-way bill metro rail transport mode મેટ્રો રેલ
GSTN E-Way Bill: હવે મેટ્રો રેલથી માલસામાન મોકલવા માટે પણ બનશે ઈ-વે બિલ, પરિવહનનાં સાધનોની સંખ્યા 4થી વધીને 5 થઈ


GSTN e-way bill metro rail transport mode મેટ્રો રેલ
GSTN E-Way Bill: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN) દ્વારા ઈ-વે બિલ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મેટ્રો રેલને પણ ઈ-વે બિલ સિસ્ટમમાં પાંચમા પરિવહન માધ્યમ તરીકે સામેલ કરવામાં આવી છે. આ નિર્ણયથી મેટ્રો રેલ દ્વારા માલસામાનની હેરફેર કરતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને મોટી સુવિધા મળશે. હવે ઈ-વે બિલ બનાવતી વખતે પરિવહનના માધ્યમ તરીકે રોડ, રેલવે, હવાઈ માર્ગ, જળમાર્ગની સાથે મેટ્રો રેલનો વિકલ્પ પણ પસંદ કરી શકાશે. આ સુવિધા ઈ-વે બિલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ઈ-વે બિલમાં મેટ્રો રેલનો નવો વિકલ્પ ઉમેરાયો
GSTN દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ હવે ઈ-વે બિલ બનાવતી વખતે પરિવહનના પાંચ માધ્યમમાંથી કોઈ એક પસંદ કરી શકાશે. અત્યાર સુધી રોડ, રેલવે, હવાઈ માર્ગ અને જળમાર્ગ એમ ચાર વિકલ્પ ઉપલબ્ધ હતા. હવે તેમાં મેટ્રો રેલનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ સુવિધાનો મુખ્ય હેતુ મેટ્રો નેટવર્ક દ્વારા માલસામાનની હેરફેર કરતા વ્યવસાયો માટે GSTના નિયમોનું પાલન સરળ બનાવવાનો છે.
વેપારીઓએ ટ્રાન્સપોર્ટ ડોક્યુમેન્ટ નંબર આપવો પડશે
જે વેપારીઓ મેટ્રો રેલ દ્વારા માલસામાન મોકલશે તેમણે ઈ-વે બિલ બનાવતી વખતે પરિવહનના માધ્યમ તરીકે 'મેટ્રો રેલ' પસંદ કરવાનું રહેશે. આ ઉપરાંત સંબંધિત ટ્રાન્સપોર્ટ ડોક્યુમેન્ટ નંબર પણ દાખલ કરવો પડશે. વાહનની વિગતો અપડેટ કરવા તેમજ કન્સોલિડેટેડ ઈ-વે બિલ બનાવવા અને ફરીથી જનરેટ કરવા માટે પણ આ નવો વિકલ્પ ઉપલબ્ધ રહેશે.
API યુઝર્સ માટે પણ સુવિધા શરૂ
GSTN દ્વારા આ સુવિધા વેબ પોર્ટલના યુઝર્સ માટે શરૂ કરવામાં આવી છે. જ્યારે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (API)નો ઉપયોગ કરતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઈડર્સ માટે તેને હાલમાં સેન્ડબોક્સ એન્વાયર્નમેન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી તેઓ લાઈવ સિસ્ટમમાં સુવિધા શરૂ થાય તે પહેલાં પોતાના સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરી શકે અને ટેસ્ટિંગ પૂર્ણ કરી શકે.
સરકારી નોટિફિકેશન બાદ લેવાયો નિર્ણય
આ ફેરફાર ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવેલા સરકારી નોટિફિકેશન બાદ અમલમાં આવ્યો છે. આ નોટિફિકેશન હેઠળ ઈ-વે બિલ સિસ્ટમમાં પરિવહનના માધ્યમોની સંખ્યા ચારથી વધારીને પાંચ કરવામાં આવી હતી. GSTNએ API યુઝર્સને પણ પ્રોડક્શન એન્વાયર્નમેન્ટમાં આ સુવિધા લાગુ થાય તે પહેલાં જરૂરી ટેક્નિકલ ફેરફારો અને ટેસ્ટિંગ પૂર્ણ કરવાની સલાહ આપી છે.
₹50 હજારથી વધુના માલસામાન માટે ઈ-વે બિલ જરૂરી
GSTના નિયમો અનુસાર ₹50,000 કે તેથી વધુ કિંમતનો માલ એક રાજ્યની અંદર અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવા માટે સામાન્ય રીતે ઈ-વે બિલ બનાવવું ફરજિયાત છે. નવી સુવિધાથી શહેરી વિસ્તારોમાં મેટ્રો નેટવર્કનો ઉપયોગ કરીને માલસામાન પહોંચાડતા વેપારીઓને નિયમોનું પાલન કરવામાં સરળતા રહેશે. ખાસ કરીને લાસ્ટ-માઈલ લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલા વ્યવસાયો માટે આ નિર્ણય ઉપયોગી સાબિત થઈ શકે છે.




