Fire In Bus : ગ્રેટર નોઈડા-નોઈડા એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં લાગી ભીષણ આગ, તમામ મુસાફરોનો આબાદ બચાવ


Fire In Bus
Fire In Bus : ગ્રેટર નોઈડા-નોઈડા એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં લાગી ભીષણ આગ, તમામ મુસાફરોનો આબાદ બચાવ


Fire In Bus
Fire In Bus : ગ્રેટર નોઈડા-નોઈડા એક્સપ્રેસવે પર મંગળવારે મોટો અકસ્માત સર્જાયો હતો. નોઈડાથી આગ્રા તરફ જઈ રહેલી એક ઝડપી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આગે સમગ્ર બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી અને બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ
ઘટના ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક્સપ્રેસવે પર બની હતી. બસમાં આગ લાગતાં મુસાફરોમાં અફરાતફરી મચી હતી. જોકે, સમયસર સાવચેતી રાખીને બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. જેના કારણે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગના કારણે બસને ભારે નુકસાન થયું છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
15 દિવસમાં બસમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના
ઉલ્લેખનીય છે કે ગ્રેટર નોઈડામાં છેલ્લા 15 દિવસમાં બસમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 26 સપ્ટેમ્બરે ગ્રેટર નોઈડામાં રસ્તાની બાજુમાં પાર્ક કરાયેલી ખાનગી બસમાં આગ લાગી હતી. તે સમયે બસમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. આ ઉપરાંત 24 સપ્ટેમ્બરે યમુના એક્સપ્રેસવે પર ચાલતી સ્લીપર બસમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 9 મુસાફરોના મોત થયા હતા. આગ લાગતાં મુસાફરોએ જીવ બચાવવા બસમાંથી કૂદકો માર્યો હતો. આ મામલે પોલીસે બસના ડ્રાઈવર અને કંડક્ટરને કસ્ટડીમાં લીધા હતા. બસમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓને પગલે વાહનોની ફિટનેસ, ફાયર સેફ્ટી અને ઇમરજન્સી સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો : DRDOની મોટી સિદ્ધિ, સ્વદેશી HAPSનું 21 કિમી ઊંચાઈએ સફળ ફ્લાઈટ ટેસ્ટ




