DRDOની મોટી સિદ્ધિ, સ્વદેશી HAPSનું 21 કિમી ઊંચાઈએ સફળ ફ્લાઈટ ટેસ્ટ


DRDO
DRDOની મોટી સિદ્ધિ, સ્વદેશી HAPSનું 21 કિમી ઊંચાઈએ સફળ ફ્લાઈટ ટેસ્ટ


DRDO
DRDO: રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ સ્વદેશી રીતે વિકસિત હાઈ-એલ્ટિટ્યુડ પ્લેટફોર્મ સિસ્ટમ (HAPS)નું સફળ ફ્લાઇટ ટેસ્ટ કર્યું છે. મંગળવારે હાથ ધરાયેલા આ પરીક્ષણ દરમિયાન સિસ્ટમે સમુદ્ર સપાટીથી 21 કિલોમીટરની ઊંચાઈ હાંસલ કરી હતી. આ સિદ્ધિ સાથે લાંબા સમય સુધી સ્ટ્રેટોસ્ફિયરમાં કાર્ય કરવાની સિસ્ટમની ક્ષમતાનું પ્રદર્શન થયું છે.
20 કિલોમીટરની ઊંચાઈએ 30 મિનિટથી વધુ સમય સુધી રહ્યું
રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રાયોગિક ઉડાન દરમિયાન HAPS 21 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચ્યું હતું અને જમીન પર પરત લાવવાનો આદેશ આપવામાં આવે તે પહેલા 20 કિલોમીટરની ઊંચાઈએ 30 મિનિટથી વધુ સમય સુધી રહ્યું હતું. ત્યારબાદ સિસ્ટમને સફળતાપૂર્વક સુરક્ષિત રીતે પરત લાવવામાં આવી હતી. ફ્લાઇટ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કરીને સિસ્ટમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
કામ કરવાની HAPSની ક્ષમતા સાબિત થઈ
આ પરીક્ષણથી સ્ટ્રેટોસ્ફિયરમાં લાંબા સમય સુધી કાર્ય કરવાની HAPSની ક્ષમતા સાબિત થઈ છે. આવી સિસ્ટમ સતત સર્વેલન્સ, કોમ્યુનિકેશન અને મોનિટરિંગ જેવા વિવિધ મિશનમાં ઉપયોગી બની શકે છે. પરીક્ષણ દરમિયાન પ્લેટફોર્મ પરથી ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન સુધી રિયલ-ટાઈમ વીડિયો અને વાહનના પ્રદર્શન સંબંધિત ડેટા મોકલવામાં આવ્યો હતો. HAPSમાં ઈનર્શિયલ મેઝરમેન્ટ યુનિટ, GPS રિસીવર, ઓનબોર્ડ કેમેરા અને ઊંચાઈ નિયંત્રણ માટેના મિકેનિઝમ સહિત વિવિધ સાધનો અને કંટ્રોલ પેકેજ લગાવવામાં આવ્યા હતા. પરીક્ષણ દરમિયાન આ તમામ સબ-સિસ્ટમે અપેક્ષા મુજબ કામગીરી કરી હતી.
ભારતની આત્મનિર્ભરતા તરફનું મહત્વપૂર્ણ પગલું
આ ફ્લાઈટ ટ્રાયલમાં ભારતીય વાયુસેના, CEMILAC, DGCA, AAI સહિતની વિવિધ સરકારી અને નાગરિક એજન્સીઓએ સહયોગ આપ્યો હતો. HAPSનું ડિઝાઈન અને વિકાસ DRDOની આગ્રા સ્થિત Aerial Delivery Research and Development Establishment (ADRDE) દ્વારા કરવામાં આવી રહ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણ બદલ DRDO, ભારતીય વાયુસેના, જાહેર ક્ષેત્રની કંપનીઓ અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ સિદ્ધિને અદ્યતન એરોસ્પેસ ટેક્નોલોજી અને લાંબા સમય સુધી સ્ટ્રેટોસ્ફિયરમાં કાર્ય કરી શકે તેવી સિસ્ટમના વિકાસમાં ભારતની આત્મનિર્ભરતા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.
આ પણ વાંચો : Modi Cabinet Decisions : ITLAને મળી મંજૂરી, મલ્ટીમોડલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે વેગ




