Get News Alerts

Never miss breaking news updates.

Valsad : પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ 15થી વધુ વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ, વાલીઓમાં રોષ ફેલાયો

Valsad : વલસાડના કૈલાશ રોડ પર આવેલી પારડીસાંઢ પોર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને માર માર્યાની ઘટનાને લઈને ભારે વિવાદ સર્જાયો છે.
Kunjan ShuklaUpdated on: 30 Sep 2026 04:39 PM IST
Valsad : પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ 15થી વધુ વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ, વાલીઓમાં રોષ ફેલાયોValsad : પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ 15થી વધુ વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ, વાલીઓમાં રોષ ફેલાયો

valsad

Valsad : વલસાડના કૈલાશ રોડ પર આવેલી પારડીસાંઢ પોર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને માર માર્યાની ઘટનાને લઈને ભારે વિવાદ સર્જાયો છે. શાળામાં ફરજ બજાવતી ભારતીબેન નામની શિક્ષિકા દ્વારા 15થી વધુ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ વાલીઓમાં રોષ ફેલાયો હતો.

ગામના સરપંચ અને અન્ય સ્થાનિક લોકો શાળાએ દોડી આવ્યા

મળતી માહિતી મુજબ, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે શિક્ષિકાએ મારપીટ કરી હોવાની જાણ થતાં વાલીઓ સહિત ગામના સરપંચ અને અન્ય સ્થાનિક લોકો શાળાએ દોડી આવ્યા હતા. ઘટનાને પગલે શાળાના પરિસરમાં હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન માર મારવામાં આવેલા વિદ્યાર્થીઓ પૈકી બેથી ત્રણ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ શાળાએ પહોંચ્યો હતો. વાલીઓ દ્વારા શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ભારતીબેન શિક્ષિકાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

જવાબદાર સામે કાર્યવાહી કરવાની માગ

બીજી તરફ, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગની કચેરી ખાતે લઈ જઈ તેમની પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 15થી વધુ વિદ્યાર્થીઓને માર માર્યાના આક્ષેપને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. બીજી તરફ, શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા પણ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

હાલમાં શિક્ષિકાએ વિદ્યાર્થીઓને કયા કારણોસર માર માર્યો અને સમગ્ર ઘટનામાં હકીકતમાં શું બન્યું હતું તે અંગે તપાસ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદનો તેમજ શાળામાં ઉપલબ્ધ અન્ય વિગતોના આધારે સમગ્ર મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાને પગલે શાળામાં શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી હતી.

આ પણ વાંચો : Rajkot Civil Hospital ની ગંભીર બેદરકારી? મૃતદેહની અદલાબદલીની તપાસનો ધમધમાટ શરૂ કરાયો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.