Valsad : કપરાડામાં શિક્ષકે જીવન ટૂંકાવ્યું, માનસિક તણાવની ચર્ચાથી પંથકમાં શોક


valsad
Valsad : કપરાડામાં શિક્ષકે જીવન ટૂંકાવ્યું, માનસિક તણાવની ચર્ચાથી પંથકમાં શોક


valsad
Valsad : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દીવસી ટોકરપાડા ફળિયામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રહેતા 53 વર્ષીય શિક્ષક શંકરભાઈ લાળિયાભાઈ જાદવનું અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, તેઓ લાંબા સમયથી માનસિક તણાવમાં હોવાનું જણાવાયું છે.
કપરાડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી
મળતી માહિતી અનુસાર, શંકરભાઈ નીલોસી ખડકી ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પોતાના ખેતરમાં આવેલા ઝૂંપડામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનો અને સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા કપરાડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક પોલીસ રિપોર્ટમાં શાળાના કામના ભારણ અને માનસિક તણાવ અંગેની માહિતી સામે આવી હોવાનું જણાવાયું છે.
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
જોકે, ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કપરાડા CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો. કપરાડા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પરિવારજનોના નિવેદનો તેમજ ઘટનાને લગતી અન્ય વિગતો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક લોકોમાં પણ શોકની લાગણી
શંકરભાઈ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાથી તેમના અવસાનના સમાચાર બાદ શાળા પરિવાર અને સ્થાનિક લોકોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાને લગતી વધુ વિગતો સામે આવી શકે છે. માનસિક તણાવ અથવા ભારે દબાણ અનુભવતા વ્યક્તિએ એકલા ન રહેવું અને પરિવાર, વિશ્વાસુ વ્યક્તિ અથવા માનસિક આરોગ્ય નિષ્ણાતનો સંપર્ક કરવો મહત્વપૂર્ણ છે. ભારતમાં Tele-MANAS હેલ્પલાઇન 14416 પર પણ માનસિક આરોગ્ય સહાય મેળવી શકાય છે.
આ પણ વાંચો : જીજી હોસ્પિટલમાં ‘લાઈન’નું રાજ! કેશબારીથી OPD સુધી લાંબી કતારો, દર્દીઓ પરેશાન




