Vadnagar News: સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો આક્ષેપ! પીવાની સિરપ બાળકીને ઈન્જેક્શનથી અપાતા હાલત ગંભીર


વડનગર સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો આક્ષેપ
Vadnagar News: સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો આક્ષેપ! પીવાની સિરપ બાળકીને ઈન્જેક્શનથી અપાતા હાલત ગંભીર


વડનગર સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો આક્ષેપ
Vadnagar News: મહેસાણા જિલ્લાના વડનગર સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારીનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આંખની પાંપણની સારવાર માટે હોસ્પિટલમાં આવેલી એક બાળકીની તબિયત અચાનક લથડતાં તેને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે. આક્ષેપ છે કે મોઢેથી પીવાની સિરપ બાળકીને ઈન્જેક્શન મારફતે આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
હાલમાં બાળકી વેન્ટિલેટર પર
મળતી માહિતી અનુસાર, બાળકી આંખની પાંપણની સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં આવી હતી. સારવાર દરમિયાન તેને મોઢેથી પીવાની દવા એટલે કે સિરપ આપવાની હતી. જોકે, આ દવા ઈન્જેક્શન મારફતે આપવામાં આવી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારનો વધુમાં આક્ષેપ છે કે બાળકીની માતાએ ઈન્જેક્શન આપવાની ના પાડી હોવા છતાં નર્સિંગની વિદ્યાર્થિનીએ ઈન્જેક્શન આપી દીધું હતું. ત્યારબાદ બાળકીની તબિયત ગંભીર બનતાં તેને તાત્કાલિક સારવાર હેઠળ રાખવામાં આવી હતી. હાલ બાળકી વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે.
તબીબી સ્ટાફની જવાબદારી સામે ગંભીર સવાલો
આ ગંભીર ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ જવાબદાર સ્ટાફ બ્રધરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત સંબંધિત નર્સિંગ સ્કૂલ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર દરમિયાન રાખવામાં આવતી તકેદારી અને તબીબી સ્ટાફની જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ખાસ કરીને બાળકોની સારવારમાં દવાઓ આપવાની પદ્ધતિ અને જરૂરી માર્ગદર્શિકાનું પાલન થયું હતું કે નહીં તે તપાસનો વિષય બન્યો છે. હાલ સૌની નજર બાળકીની તબિયતમાં સુધારો થાય તેના પર છે. બીજી તરફ તપાસ કમિટી દ્વારા સમગ્ર ઘટનાની જવાબદારી નક્કી કરી આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.




