Surat : તક્ષશિલા અગ્નિકાંડ કેસની ટ્રાયલ અંતિમ તબક્કામાં, 29 ઓક્ટોબરે ઉલટતપાસ હાથ ધરાશે


Surat
Surat : તક્ષશિલા અગ્નિકાંડ કેસની ટ્રાયલ અંતિમ તબક્કામાં, 29 ઓક્ટોબરે ઉલટતપાસ હાથ ધરાશે


Surat
Surat : સુરતના બહુચર્ચિત તક્ષશિલા અગ્નિકાંડ કેસની ટ્રાયલ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. 12 ઓક્ટોબર, 2026ના રોજ સુરત સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન તપાસ અધિકારી Dy.SP આર.આર. સરવૈયાની આશરે ચાર કલાક સુધી સરતપાસ કરવામાં આવી હતી. હવે આગામી 29 ઓક્ટોબર, 2026ના રોજ તપાસ અધિકારીની ઉલટતપાસ માટે તારીખ નક્કી કરવામાં આવી છે.
કોર્ટની આગામી કાર્યવાહી બાદ આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ નોંધવામાં આવશે અને ત્યારબાદ ફાઈનલ આર્ગ્યુમેન્ટ્સ એટલે કે અંતિમ દલીલોની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આથી હવે પીડિત પરિવારોની નજર કેસની આગળની કાર્યવાહી અને અંતિમ ચુકાદા પર ટકેલી છે. આ કેસમાં ન્યાયની રાહ જોઈ રહેલા ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખભાઈ ગજેરાએ ટૂંક સમયમાં ન્યાય મળવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક તરફ ન્યાય મળવાની આશાથી સંતોષ છે, તો બીજી તરફ ન્યાય મેળવવામાં આટલો લાંબો સમય લાગ્યો તેનો અસંતોષ પણ છે.
13 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી
જયસુખભાઈએ કહ્યું હતું કે, આવી ગંભીર ઘટનામાં છ મહિના કે એક વર્ષની અંદર ન્યાય મળવો જોઈએ, પરંતુ પીડિત પરિવારોને વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ કેસમાં કુલ 13 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાંથી એક આરોપીનું મૃત્યુ થયું છે. તેમણે તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને યાદ કરતાં જણાવ્યું હતું કે, બાળકો વચ્ચે પરિવાર જેવો સંબંધ હતો અને તેમની દીકરી વેકેશન દરમિયાન નાના બાળકોને ડ્રોઈંગ શીખવાડતી હતી. પરિવાર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં દોષિતો સામે અપેક્ષિત કાર્યવાહી ન થઈ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
દુર્ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા મળવી જોઈએ
જયસુખભાઈએ માગ કરી હતી કે આ દુર્ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા મળવી જોઈએ. તેમના મતે, જો આ અગ્નિકાંડ બાદ તાત્કાલિક અને કડક કાર્યવાહી થઈ હોત તો ત્યારબાદ બેદરકારીને કારણે બનેલી અન્ય દુર્ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ બચાવી શકાયા હોત. હવે 29 ઓક્ટોબરની સુનાવણી અને ત્યારબાદની અંતિમ દલીલો સાથે તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારો ન્યાયની આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો : Dahod : હાંડા હોસ્પિટલમાં રૂપિયા 15.15 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયા





