Get News Alerts

Never miss breaking news updates.

Surat : રેલવે સ્ટેશન પર કુલીની ઈમાનદારીની મિસાલ, 6થી 7 લાખના ડોલર અને પાસપોર્ટ ભરેલી બેગ મુસાફરને પરત કરી

Surat : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી મળી આવેલી એક લાવારિસ બેગ કુલી મનીષભાઈ વણઝારાએ સુરક્ષિત રીતે તેના અસલી માલિકને પરત કરીને માનવતા અને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Kunjan ShuklaUpdated on: 03 Oct 2026 12:39 PM IST
Surat : રેલવે સ્ટેશન પર કુલીની ઈમાનદારીની મિસાલ, 6થી 7 લાખના ડોલર અને પાસપોર્ટ ભરેલી બેગ મુસાફરને પરત કરીSurat : રેલવે સ્ટેશન પર કુલીની ઈમાનદારીની મિસાલ, 6થી 7 લાખના ડોલર અને પાસપોર્ટ ભરેલી બેગ મુસાફરને પરત કરી

Surat

Surat : સુરત રેલવે સ્ટેશન પર એક કુલીની પ્રમાણિકતા અને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી મળી આવેલી એક લાવારિસ બેગ કુલી મનીષભાઈ વણઝારાએ સુરક્ષિત રીતે તેના અસલી માલિકને પરત કરીને માનવતા અને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બેગમાં મહત્વપૂર્ણ પાસપોર્ટ અને આશરે 6થી 7 લાખ રૂપિયાની કિંમતના વિદેશી ડોલર હતા.

ઈમાનદારીના કારણે મુસાફરને મોટી મુશ્કેલીમાંથી રાહત મળી

મળતી માહિતી મુજબ, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર એક અજાણી લાવારિસ બેગ મળી આવી હતી. આ દરમિયાન ત્યાં ફરજ બજાવતા કુલી મનીષભાઈ વણઝારાની નજર બેગ પર પડી હતી. તેમણે જવાબદારીપૂર્વક બેગની તપાસ કરતાં તેમાંથી પાસપોર્ટ અને મોટી માત્રામાં રોકડ વિદેશી ચલણ મળી આવ્યું હતું. બેગમાં રહેલી વસ્તુઓનું મહત્વ સમજીને મનીષભાઈએ તેના પર લખેલા મોબાઈલ નંબરના આધારે તાત્કાલિક મુસાફરનો સંપર્ક કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ બેગ એક ડોક્ટર મુસાફરની હતી, જેઓ ટ્રેનમાંથી વાપી રેલવે સ્ટેશન પર ઉતરી ગયા હતા.

ખાસ વાત એ હતી કે આ ડોક્ટરને મુંબઈથી અમેરિકા જવા માટેની ફ્લાઈટ પકડવાની હતી. આવી સ્થિતિમાં પાસપોર્ટ અને વિદેશી ચલણ ભરેલી બેગ ગુમ થવાથી તેમની વિદેશયાત્રા મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ હતી. જોકે, મનીષભાઈની સમયસૂચકતા અને ઈમાનદારીના કારણે મુસાફરને મોટી મુશ્કેલીમાંથી રાહત મળી હતી.

આ કામગીરી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની

કુલી મનીષભાઈ વણઝારા અને તેમની ટીમે મુસાફરની બેગ સુરક્ષિત રીતે પરત સોંપી હતી. પોતાની મહત્વપૂર્ણ વસ્તુઓ પરત મળતા ડોક્ટર મુસાફરે ભારે હૈયે મનીષભાઈ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનાએ સાબિત કર્યું છે કે ઈમાનદારી અને નિષ્ઠાવાન સેવા માટે કોઈ હોદ્દો કે પદ મહત્વનું નથી. સુરત રેલવે સ્ટેશનના કુલી મનીષભાઈ વણઝારા અને તેમની ટીમની આ કામગીરી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે.

આ પણ વાંચો : Jamnagar : ગુજરાત ભાડા વિધેયક-2026ની જોગવાઈઓ સામે વકીલોનો વિરોધ, બાર એસોસિએશનના સભ્યો કોર્ટ કામકાજથી અળગા રહ્યા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.