Jamnagar : ગુજરાત ભાડા વિધેયક-2026ની જોગવાઈઓ સામે વકીલોનો વિરોધ, બાર એસોસિએશનના સભ્યો કોર્ટ કામકાજથી અળગા રહ્યા


Jamnagar
Jamnagar : ગુજરાત ભાડા વિધેયક-2026ની જોગવાઈઓ સામે વકીલોનો વિરોધ, બાર એસોસિએશનના સભ્યો કોર્ટ કામકાજથી અળગા રહ્યા


Jamnagar
Jamnagar : જામનગરમાં ગુજરાત ભાડા વિધેયક-2026ની કેટલીક જોગવાઈઓને લઈને વકીલોમાં વિરોધ જોવા મળ્યો છે. જામનગર બાર એસોસિએશન દ્વારા વિધેયકની જોગવાઈઓ સામે વિરોધ નોંધાવી કાયદામાં જરૂરી સુધારા-વધારા કરવાની માગ કરવામાં આવી છે. આ માગના સમર્થનમાં બાર એસોસિએશનના સભ્યો કોર્ટના કામકાજથી અળગા રહ્યા હતા.
વકીલોએ કોર્ટની કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય લીધો
જામનગર બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, ગુજરાત ભાડા વિધેયક-2026ની કેટલીક જોગવાઈઓ રાજ્યના નાગરિકો, પક્ષકારો તેમજ વકીલો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આથી વિધેયકની જોગવાઈઓ અંગે પુનર્વિચારણા કરીને તેમાં જરૂરી સુધારા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. વિરોધના ભાગરૂપે વકીલોએ કોર્ટની કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. જોકે, વકીલોની ગેરહાજરીને કારણે કોઈ પક્ષકારને મુશ્કેલી ન પડે અને કોઈ કેસને નુકસાન ન થાય તે માટે બાર એસોસિએશન દ્વારા કોર્ટ સમક્ષ વિશેષ વિનંતી કરવામાં આવી હતી.
યોગ્ય સહકાર આપવા બાર એસોસિએશને અપીલ કરી
એસોસિએશને રજૂઆત કરી હતી કે જે-તે કેસ જે તબક્કે હોય તે તબક્કો યથાવત રાખવામાં આવે. વકીલો અથવા પક્ષકારોની ગેરહાજરીને ધ્યાને લઈને તેમની સામે કોઈ પ્રતિકૂળ કાર્યવાહી કરવામાં ન આવે. ખાસ કરીને ગેરહાજરીના કારણે કોઈ વકીલ કે પક્ષકાર સામે વોરંટ સહિતની કાર્યવાહી ન કરવા પણ વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત સંબંધિત તમામ કોર્ટને સમગ્ર વિરોધ અને રજૂઆત અંગે જાણ કરવામાં આવી છે. ન્યાયિક પ્રક્રિયામાં કોઈ પક્ષકારને અન્યાય ન થાય અને કેસોની સ્થિતિ જાળવી રાખવામાં આવે તે માટે યોગ્ય સહકાર આપવા બાર એસોસિએશને અપીલ કરી છે. ગુજરાત ભાડા વિધેયક-2026ની જોગવાઈઓમાં સુધારા કરવાની માગ સાથે જામનગરના વકીલોએ નોંધાવેલો આ વિરોધ હવે ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ મામલે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો : Gandhinagar : શંકરસિંહ વાઘેલાના વિવાદિત નિવેદન પર દિનેશ બાંભણિયા લાલઘૂમ, કહ્યું 'મેલું ઉપાડે તો બોલે તેટલા રૂપિયા આપવા તૈયાર છું'




