Get News Alerts

Never miss breaking news updates.

Surat : દિવાળી પર વતન જવા માટે GSRTCની 1600 એક્સ્ટ્રા બસો દોડશે, જરૂર પડશે તો 2500 બસની વ્યવસ્થા કરાશે: DyCM હર્ષ સંઘવી

Surat : દિવાળીના તહેવાર અને વેકેશન દરમિયાન વતન જતા મુસાફરોને સરળતાથી મુસાફરીની સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 1600 વધારાની બસો દોડાવવાનો નિર્ણય
Kunjan ShuklaUpdated on: 11 Oct 2026 03:45 PM IST
Surat : દિવાળી પર વતન જવા માટે GSRTCની 1600 એક્સ્ટ્રા બસો દોડશે, જરૂર પડશે તો 2500 બસની વ્યવસ્થા કરાશે: DyCM હર્ષ સંઘવીSurat : દિવાળી પર વતન જવા માટે GSRTCની 1600 એક્સ્ટ્રા બસો દોડશે, જરૂર પડશે તો 2500 બસની વ્યવસ્થા કરાશે: DyCM હર્ષ સંઘવી

Surat

Surat : દિવાળીના તહેવાર અને વેકેશન દરમિયાન વતન જતા મુસાફરોને સરળતાથી મુસાફરીની સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 1600 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે મુસાફરોની સંખ્યા વધશે તો 1600ની જગ્યાએ 2500 બસોની વ્યવસ્થા કરવાની જરૂર પડશે તો તે પણ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે વિશેષ વ્યવસ્થા

હર્ષ સંઘવીએ જણાવ્યું કે દર વર્ષે દિવાળીના વેકેશન દરમિયાન એસટી વિભાગ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવે છે. આ વર્ષે પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ, ગોધરા સહિતના વિસ્તારોમાં મુસાફરોની જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવામાં આવશે. સૌરાષ્ટ્રના મુસાફરો માટે ધારુકા કોલેજથી અને પંચમહાલ સહિતના વિસ્તારોના મુસાફરો માટે સેન્ટ્રલ બસ સ્ટોપથી બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે લોકોને એડવાન્સ બુકિંગ કરાવવા અપીલ કરી હતી. 'ST આપના દ્વાર' સુવિધા હેઠળ મુસાફરોને ઘરેથી ગ્રૂપ બુકિંગ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે. વધુ લોકો અગાઉથી બુકિંગ કરાવશે તો વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં સરળતા રહેશે.

વધુ ભાડું ચૂકવવાની મજબૂરી ન રહે તેવો પ્રયાસ

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે નાગરિકોને સસ્તી ટિકિટમાં મુસાફરીની સુવિધા આપવી એ સરકારનો સંકલ્પ છે. દિવાળીના તહેવાર દરમિયાન લોકોને વધુ ભાડું ચૂકવીને વતન જવાની મજબૂરી ન રહે તે માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે. અન્ય રાજ્યોમાં પણ બસો વધારવાની રજૂઆત અથવા મંજૂરી મળશે તો ત્યાં પણ વધારાની બસો દોડાવવામાં આવશે.

કોમર્શિયલ ગરબાના આયોજકોને અપીલ

ગરબાના આયોજન અંગે હર્ષ સંઘવીએ કોમર્શિયલ ગરબાના આયોજકોને ફાયર સેફ્ટીના નિયમોમાં કોઈ બાંધછોડ ન કરવા અને સુરક્ષાની તમામ બાબતોમાં ચોકસાઈ રાખવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે દિવાળીના તહેવાર દરમિયાન નાના દુકાનદારો અને વેપારીઓને સારો વેપાર મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત પોલીસના અધિકારીઓ સાથે બેઠક યોજીને વેપારીઓને લાભ થાય તે દિશામાં કામગીરી કરવા પણ ચર્ચા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. નવરાત્રિ દરમિયાન મા અંબાની ભક્તિ અને પરંપરા જળવાઈ રહે તેવી શુભેચ્છા પણ તેમણે પાઠવી હતી.

આ પણ વાંચો : Rajkot Navratri 2026 : રાજકોટમાં નવરાત્રિ પહેલાં ‘લવ જિહાદથી સાવધાન’ના પોસ્ટરે શહેરમાં ચર્ચા જગાવી, યુવતીઓને સાવચેત રહેવા અપીલ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.