Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરતમાં અત્યાધુનિક OSAT પ્લાન્ટમાં કોમર્શિયલ ઉત્પાદનનો શુભારંભ



Surat
Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરતમાં અત્યાધુનિક OSAT પ્લાન્ટમાં કોમર્શિયલ ઉત્પાદનનો શુભારંભ



Surat
Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે આયોજિત ‘સેમિકોન ઇન્ડિયા 2026’ કાર્યક્રમમાં 17 સપ્ટેમ્બર 2026ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલા સૂચિ સેમિકોનના અત્યાધુનિક સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ (OSAT) પ્લાન્ટમાં કોમર્શિયલ ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્લાન્ટ કાર્યરત થવાથી ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉત્પાદન અને સપ્લાય ચેઇનનું વિશ્વસનીય કેન્દ્ર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને વધુ મજબૂતી મળશે. સાથે જ, તે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પણ નવી ગતિ આપશે. ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.
ચિપ મેન્યુફેક્ચરિંગમાં સુરતની એન્ટ્રી
સૂચિ સેમિકોનના આ પ્રોજેક્ટને મે 2026માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત મંજૂરી આપવામાં આવી હતી. અંદાજે ₹868 કરોડના રોકાણ સાથે સ્થપાયેલા આ યુનિટમાં વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1,033.20 મિલિયન એટલે કે 103.32 કરોડ સેમિકન્ડક્ટર ચિપ્સની છે.
આ પ્લાન્ટમાં સેમિકન્ડક્ટર ચિપ્સનું એસેમ્બલી, અદ્યતન પેકેજિંગ અને પરીક્ષણ કરવામાં આવશે. પ્લાન્ટમાં SOIC, QFN તથા એડવાન્સ્ડ IC પેકેજિંગ જેવી ક્ષમતાઓ વિકસાવવામાં આવી છે. અહીં તૈયાર થનારી ચિપ્સનો ઉપયોગ મુખ્યત્વે આ ક્ષેત્રોમાં થશે: પાવર ઇલેક્ટ્રોનિક્સ, એનાલોગ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, ઓટોમોટિવ અને ઇલેક્ટ્રિક વાહનો, ઔદ્યોગિક ઓટોમેશન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ તથા ઊર્જા અને વીજ વ્યવસ્થાપન માટેના ઉપકરણો.
જાપાનની અગ્રણી કંપની ROHM સેમિકન્ડક્ટર સાથે ટેક્નોલોજી સહયોગ
આ સુવિધામાં ઉચ્ચ ગુણવત્તાનાં ક્લીનરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. કંપનીએ પ્રથમ ક્ન્ઝ્યુમર શિપમેન્ટ પણ ભારતથી બહાર મોકલ્યું છે. અદ્યતન ટેકનોલોજી અને વૈશ્વિક ગુણવત્તાનાં ધોરણોને અપનાવવા માટે સૂચિ સેમિકોને જાપાનની અગ્રણી કંપની ROHM સેમિકન્ડક્ટર સાથે ટેક્નોલોજી સહયોગ કર્યો છે. સૂચિ સેમિકોનના પલસાણા પ્લાન્ટથી ગુજરાતમાં ઝડપથી વિકસિત થઈ રહેલી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ મજબૂતી મળશે.
ધોલેરા ખાતે ટાટા–PSMC સેમિકન્ડક્ટર ફેબ, સાણંદમાં માઈક્રોન, સીજી સેમિ અને કેઈન્સ સેમિકોનના પ્રોજેક્ટ્સ બાદ હવે સુરત પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રે અગ્રણી ભૂમિકા નિભાવશે. સૂચિ સેમિકોને આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિમાં સહયોગ આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. કંપનીએ ગુજરાતમાં ટેકનોલોજી, કૌશલ્ય, સ્થાનિક સપ્લાય ચેઇન અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેના સહયોગના આધારે મજબૂત સેમિકન્ડક્ટર પેકેજિંગ તથા ટેસ્ટિંગ ઇકોસિસ્ટમ વિકસાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





