Surat : શ્યામ સંગીની માર્કેટમાં ફરી આગ ભડકી, ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટના સ્થળે


Surat
Surat : શ્યામ સંગીની માર્કેટમાં ફરી આગ ભડકી, ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટના સ્થળે


Surat
Surat : સુરતમાં વધુ એક ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરની શ્યામ સંગીની માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ ફરી એકવાર આગની જ્વાળાઓ જોવા મળતા ફાયર વિભાગને ફરી કામગીરી શરૂ કરવી પડી હતી.
આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કામગીરી શરૂ
ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની અંદાજે 15 જેટલી ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. માર્કેટમાં દુકાનની અંદર મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાના કારણે આગ સંપૂર્ણપણે બુઝાવવામાં મુશ્કેલી પડી રહી છે.
હાઈડ્રોલિક પ્લેટફોર્મની પણ મદદ લેવામાં આવી
આગ બુઝાઈ ગયા બાદ કાપડના જથ્થામાંથી ફરી ધુમાડો અને આગની જ્વાળાઓ બહાર આવતી જોવા મળી હતી. જેના કારણે ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પાણીનો મારો કરી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ વધુ ન ફેલાય તે માટે આસપાસના વિસ્તારોમાં પણ ફાયર ટીમ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. આગની વિકટ સ્થિતિને પહોંચી વળવા માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મની પણ મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ઊંચાઈ પરથી આગના સ્થળે પાણીનો મારો કરી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
આગનું કારણ અકબંધ
હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર મહદઅંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જોકે, દુકાનમાં રહેલા કાપડના જથ્થાને કારણે અંદરથી સમયાંતરે આગ ફરી ભડકી રહી છે. જેના પગલે ફાયર વિભાગ દ્વારા સતત કૂલિંગ અને ફાયર ફાઈટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આગ વધુ વિસ્તારોમાં ન ફેલાય અને આસપાસની દુકાનો તથા માર્કેટના અન્ય ભાગોને નુકસાન ન થાય તે માટે ફાયર વિભાગના જવાનો સતર્ક છે. આગ કયા કારણોસર લાગી અને તેના કારણે કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ સામે આવશે.
આ પણ વાંચો : Kutchનો લિસ્ટેડ બુટલેગર ઝડપાયો, માલધારીનો વેશ ધારણ કરી LCBએ જંગલમાંથી દબોચ્યો





