Surat Fake Doctor Award Row: બોગસ ડોક્ટરને સન્માન આપવાનો મામલો, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી કડક ચેતવણી


Surat Fake Doctor Award Row
Surat Fake Doctor Award Row: બોગસ ડોક્ટરને સન્માન આપવાનો મામલો, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી કડક ચેતવણી


Surat Fake Doctor Award Row
Surat News: સુરતમાં બોગસ ડોક્ટરને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે સન્માન આપવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ આયોજિત ‘વંદે આયુકોન-3’ કાર્યક્રમમાં એક વ્યક્તિએ આયોજકોને કથિત રીતે ગેરમાર્ગે દોરી એવોર્ડ મેળવ્યો હોવાની ચર્ચા છે. આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટ કર્યું છે કે ખોટું કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.
લોકોને ગેરમાર્ગે દોરીને સન્માન મેળવ્યું હોય તો તે ગંભીર બાબત
મળતી માહિતી મુજબ, સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે ‘વંદે આયુકોન-3’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક કથિત બોગસ ડોક્ટરે આયોજકોને અંધારામાં રાખીને આરોગ્ય મંત્રીના હસ્તે સન્માન મેળવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના અંગેની માહિતી મીડિયા માધ્યમો દ્વારા મંત્રીના ધ્યાન પર આવી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા આયુર્વેદને આગળ વધારવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. જોકે, કોઈ વ્યક્તિએ લોકોને ગેરમાર્ગે દોરીને સન્માન મેળવ્યું હોય તો તે ગંભીર બાબત છે. મંત્રીના જણાવ્યા અનુસાર, તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે અને દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ઓળખતા હોતા નથી.
નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે
કોઈ વ્યક્તિ તેમની સાથે ફોટો પડાવે અથવા કોઈ કાર્યક્રમમાં તેમની સાથે હાજર હોય, તેનો અર્થ એવો નથી કે તેને કોઈપણ પ્રકારની છૂટ મળી જશે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે જે કોઈ ખોટું કરશે તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સંસ્થાને અંધારામાં રાખીને સન્માન મેળવનાર વ્યક્તિને પણ આ કૃત્ય ભારે પડી શકે છે, તેવી ચેતવણી તેમણે આપી હતી. આ મામલે હવે સંબંધિત વ્યક્તિની ઓળખ, તેની લાયકાત અને સમગ્ર ઘટનાની હકીકત અંગે તપાસ થાય છે કે નહીં, તે જોવાનું રહેશે. બોગસ ડોક્ટર અંગેના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ અને આગળની કાર્યવાહી અંગેની વિગતો સામે આવવાની બાકી છે.
આ પણ વાંચો: Anand News: 2 લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, કારમાંથી રૂપિયા 49 લાખ રોકડા મળ્યા





