Ahmedabad News: દિવાળી પહેલાં માવાની ગુણવત્તા ચકાસવા રેપિડ ટેસ્ટિંગ કિટ રાખવી ફરજિયાત, AMCની વેપારીઓને સૂચના


Ahmedabad News
Ahmedabad News: દિવાળી પહેલાં માવાની ગુણવત્તા ચકાસવા રેપિડ ટેસ્ટિંગ કિટ રાખવી ફરજિયાત, AMCની વેપારીઓને સૂચના


Ahmedabad News
Ahmedabad News: દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ અને અન્ય ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તથા નકલી માવાના વેચાણ પર નિયંત્રણ આવે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 5 લાખથી વધુ છે, તેમણે માવાની ગુણવત્તા ચકાસવા માટે રેપિડ ટેસ્ટિંગ કિટ રાખવાની રહેશે.
બિનખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોવાની બાબતો પણ ધ્યાને આવી
AMCના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચર્ચા કરવામાં આવી છે. શહેરમાં અલગ-અલગ સ્થળોએથી બનાવટી માવો પકડાવાની ઘટનાઓ સામે આવી છે. માવાના નામે બરફી વેચાતી હોવા ઉપરાંત કેટલીક જગ્યાએ બિનખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોવાની બાબતો પણ ધ્યાન પર આવી છે. આવી ગેરરીતિઓ અટકાવવા માટે માવો બનાવતા વેપારીઓને પોતાના વ્યવસાયના સ્થળે રેપિડ ટેસ્ટિંગ કિટ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ કિટની મદદથી માવામાં સ્ટાર્ચની હાજરી છે કે નહીં અને માવાની ગુણવત્તા અંગે પ્રાથમિક ચકાસણી કરી શકાશે.
350 વેપારીઓએ રેપિડ ટેસ્ટિંગ કિટ રાખી હોવાનું જણાવાયું
આ કિટની અંદાજિત કિંમત ₹3,000 છે. વેપારીઓ ઉપરાંત હોલસેલર અને રિટેલર પણ માવો ખરીદતા પહેલાં તેની પ્રાથમિક ચકાસણી કરી શકશે. અત્યાર સુધીમાં આશરે 350 વેપારીઓએ રેપિડ ટેસ્ટિંગ કિટ રાખી હોવાનું જણાવાયું છે. AMC દ્વારા હેલ્થ વિભાગને પણ આ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તહેવાર દરમિયાન નકલી માવો અને આરોગ્યને નુકસાન પહોંચાડી શકે તેવા બિનખાદ્ય પદાર્થોના વેચાણને અટકાવવા માટે તપાસ અને દેખરેખ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
દિવાળીના સમયમાં મીઠાઈની માંગ વધતી હોવાથી ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અને સલામતી જાળવવી મહત્ત્વપૂર્ણ છે. રેપિડ ટેસ્ટિંગ કિટના ઉપયોગથી વેપારીઓને માવાની પ્રાથમિક ગુણવત્તા ચકાસવામાં મદદ મળશે. જોકે, કિટ દ્વારા થતી ચકાસણી પ્રાથમિક હોય છે; શંકાસ્પદ નમૂનાની ચોક્કસ પુષ્ટિ માટે લેબોરેટરી પરીક્ષણ જરૂરી બની શકે છે.
આ પણ વાંચો: Surat Bogus Doctor: ડીંડોલીમાં બોગસ ડોક્ટરો સામે મેગા રેડ, ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા 9 તબીબો ઝડપાયા





