Anand News: 2 લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, કારમાંથી રૂપિયા 49 લાખ રોકડા મળ્યા


Anand News
Anand News: 2 લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, કારમાંથી રૂપિયા 49 લાખ રોકડા મળ્યા


Anand News
Anand News: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 29 ઑક્ટોબર, 2026ના રોજ આણંદમાં લાંચના કેસમાં સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન એસ.ઓ.જી.ના પીએસઆઈ વી.એન. રાઠોડ અને એક પ્રજાજન દિલીપભાઈ ઉર્ફે દિપુભાઈ ભીખાભાઈ પટેલ સામે લાંચની માગણી અંગે ફરિયાદ નોંધાઈ હતી. ટ્રેપ દરમિયાન દિલીપભાઈ પટેલ રૂપિયા 2 લાખની રકમ સ્વીકારતા ઝડપાયા હતા, જ્યારે પીએસઆઈ વી.એન. રાઠોડ સ્થળ પર હાજર મળ્યા નહોતા.
બંને આરોપીઓએ કથિત રીતે રૂપિયા 2 લાખની લાંચ માગી હતી
ACBને મળેલી ફરિયાદ અનુસાર, આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ફરિયાદીનું ફ્રીઝ થયેલું બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા અને ગુનાના મામલે તેમની ધરપકડ ન થાય તે માટે બંને આરોપીઓએ કથિત રીતે રૂપિયા 2 લાખની લાંચ માગી હતી. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. એસ.ઓ.જી. કચેરીના દરવાજા પાસે આરોપી દિલીપભાઈ પટેલની માલિકીની મારુતિ સિયાઝ કારમાં લાંચની રકમ સ્વીકારવામાં આવી હોવાનો આક્ષેપ છે. ACBની ટીમે કાર્યવાહી દરમિયાન રૂપિયા 2 લાખની લાંચની રકમ રિકવર કરી હતી.
ACB દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે
આ ઉપરાંત, પંચોની હાજરીમાં કારની તપાસ કરતાં અંદાજે રૂપિયા 49 લાખ રોકડા મળી આવ્યા હતા. આ રોકડ રકમ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આ રકમનો સ્ત્રોત અને તેની સાથે લાંચના કેસનો કોઈ સંબંધ છે કે નહીં તે અંગેની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે. આ સમગ્ર ટ્રેપિંગ કાર્યવાહી ACB અમદાવાદના ફીલ્ડ-1ના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન. પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. હાલ ACB દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આરોપીઓની ભૂમિકા તથા રોકડ રકમના સ્ત્રોત અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Surat Bogus Doctor: ડીંડોલીમાં બોગસ ડોક્ટરો સામે મેગા રેડ, ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા 9 તબીબો ઝડપાયા





