Surat: સિવિલ હોસ્પિટલમાં વધુ એક રેગિંગની ફરિયાદ, નનામી અરજી મળતાં એન્ટી રેગિંગ કમિટી દોડતી થઈ


Surat
Surat: સિવિલ હોસ્પિટલમાં વધુ એક રેગિંગની ફરિયાદ, નનામી અરજી મળતાં એન્ટી રેગિંગ કમિટી દોડતી થઈ


Surat
Surat: સુરત સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત રેગિંગને લઈને ફરિયાદ સામે આવી છે. સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટરોને હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે ડીનને નનામી અરજી મળતાં તંત્ર એલર્ટ થઈ ગયું હતું. ખાસ કરીને રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ રેગિંગના મુદ્દે સિવિલ તંત્ર દ્વારા વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે.
ડીન ઓફિસે મળી નનામી અરજી
મળતી માહિતી મુજબ, 27 ઓગસ્ટની સાંજે સિવિલ હોસ્પિટલની ડીન ઓફિસમાં સર્જરી વિભાગને લગતી નનામી ફરિયાદ મળી હતી. અરજીમાં રેસિડેન્ટ ડોક્ટરોને કામના વધુ પડતા ભાર, રજા ન મળવા તેમજ અભ્યાસમાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. સાથે જ સિનિયર દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.
ફરિયાદ મળતાં તાત્કાલિક બેઠક
ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને સિવિલ તંત્ર દ્વારા તાત્કાલિક સર્જરી વિભાગના સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલે તપાસ કરવા માટે એન્ટી રેગિંગ કમિટીની બેઠક પણ યોજવામાં આવી હતી.
મોડી રાત સુધી ચાલી તપાસ
એન્ટી રેગિંગ કમિટીની બેઠક મોડી રાત સુધી ચાલી હતી. કમિટી દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે તપાસ કરવામાં આવી હતી અને સંબંધિત રેસિડેન્ટ ડોક્ટરો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી.
રેગિંગના પુરાવા મળ્યા નથી: કમિટી
મોડી રાત સુધી ચાલેલી તપાસ બાદ એન્ટી રેગિંગ કમિટીએ જણાવ્યું હતું કે, રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગ થયું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. જોકે, રેસિડેન્ટ ડોક્ટરના પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે ચર્ચા કરીને તેનું નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
ડોક્ટરના પ્રશ્નો સાંભળી કરાયું નિરાકરણ
તંત્રના જણાવ્યા મુજબ, સંબંધિત રેસિડેન્ટ ડોક્ટર સાથે વિગતવાર વાતચીત કરવામાં આવી હતી. ડોક્ટરને કોઈ પ્રકારનો ડર અથવા ચિંતા હોવાનું સામે આવ્યું હતું. બેઠક દરમિયાન તેમની સમસ્યાઓ સાંભળવામાં આવી અને જરૂરી નિરાકરણ કરવામાં આવ્યું હતું. બેઠક બાદ ડોક્ટર સંતુષ્ટ થયા હોવાનું પણ જણાવાયું છે.
હર્ષ પંડ્યાના આપઘાત બાદ તંત્ર એલર્ટ
રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ સિવિલ હોસ્પિટલમાં રેગિંગના મુદ્દે તંત્ર વધુ સતર્ક બન્યું છે. નવી ફરિયાદ સામે આવતા એન્ટી રેગિંગ કમિટીએ તાત્કાલિક કાર્યવાહી કરી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. હાલ કમિટીના જણાવ્યા પ્રમાણે રેગિંગના આક્ષેપને સમર્થન આપતા પુરાવા મળ્યા નથી.
આ પણ વાંચો :Rajkot: લોકમેળા પહેલાં પોલીસનો એક્શન પ્લાન, હિસ્ટ્રીશીટરોને બોલાવી આપી કડક ચેતવણી




