Surat Civil Hospital : સુરત સિવિલમાં 10 બેડનું રેસ્પિરેટરી ICU શરૂ, દર્દીઓને મળશે વિનામૂલ્યે સારવાર

Surat Civil Hospital : સુરતના આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાસની ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે 10 બેડનું આધુનિક રેસ્પિરેટરી ICU શરૂ.
Vivek Shah
Vivek Shah
Surat Civil Hospital શ્વાસની ગંભીર બીમારીના દર્દીઓને મળશે આધુનિક સારવારSurat Civil Hospital શ્વાસની ગંભીર બીમારીના દર્દીઓને મળશે આધુનિક સારવાર

Surat Civil Hospital શ્વાસની ગંભીર બીમારીના દર્દીઓને મળશે આધુનિક સારવાર

Surat Civil Hospital : આ સુવિધા શરૂ થતાં ગંભીર શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓને હવે સરકારી હોસ્પિટલમાં જ આધુનિક સારવાર મળી શકશે. ખાસ વાત એ છે કે આ સારવાર દર્દીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. નવી સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલા આ રેસ્પિરેટરી ICUમાં દર્દીઓની સારવાર અને દેખરેખ માટે વિવિધ આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.

તેમાં સોનોગ્રાફી, ઈકો કાર્ડિયોગ્રાફી, કાર્ડિયાક ડિફિબ્રિલેટર, કાર્ડિયાક મોનિટર અને 20 સિરિંજ પંપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ABG મશીન અને ઇમરજન્સી ટ્રોલી સહિતનાં જરૂરી સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.

ન્યૂરો મેડિસિન અને ન્યૂરો સર્જરી ICU બાદ કુલ 175 બેડ થશે

દર્દીઓને યોગ્ય અને સતત તબીબી દેખરેખ મળી રહે તે માટે પૂરતો નર્સિંગ સ્ટાફ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ગંભીર શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓની સારવાર માટે આ સુવિધા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. નવી સિવિલ હોસ્પિટલમાં આ પહેલાં ન્યૂરો મેડિસિન અને ન્યૂરો સર્જરીના ICU શરૂ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

આ બંને ICU શરૂ થયા બાદ હોસ્પિટલમાં કુલ ICU બેડની સંખ્યા આશરે 175 સુધી પહોંચશે. આ રીતે સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સારવાર માટેની ક્ષમતામાં વધારો થશે. આ નવી સુવિધાનું સૌથી મોટું પાસું સારવારનો ખર્ચ છે.

નવી સિવિલમાં રેસ્પિરેટરી ICUની સારવાર વિનામૂલ્યે મળશે

ખાનગી હોસ્પિટલોમાં ગંભીર શ્વાસની બીમારીના દર્દીઓને ICUમાં રાખીને સારવાર આપવામાં આવે તો પ્રતિદિન અંદાજે 25 હજારથી 30 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. બીજી તરફ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસ્પિરેટરી ICU હેઠળ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળશે. જેના કારણે આર્થિક રીતે મુશ્કેલી અનુભવતા દર્દીઓ અને તેમના પરિવારોને મોટી રાહત મળી શકે છે.

સુરત સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવે છે. ત્યારે રેસ્પિરેટરી ICUની શરૂઆતથી ગંભીર શ્વાસના દર્દીઓ માટે વધુ એક આધુનિક સારવારની સુવિધા ઉપલબ્ધ બની છે. આમ, સુરત સિવિલ હોસ્પિટલમાં 10 બેડના રેસ્પિરેટરી ICUની શરૂઆત અને ICU બેડની સંખ્યામાં થનારો વધારો સરકારી આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

આ પણ વાંચો : Arvalli Shamlaji Mandir : દેવ દિવાળીએ શામળાજી ધામમાં શ્રદ્ધાનું ઘોડાપૂર, નાગધરા કુંડમાં પિતૃ તર્પણની વિધી કરાઈ