Surat News: શહેરમાં તસ્કરો બેફામ! દિવાળી મનાવવા વતન ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી કરી લાખોની ચોરી


Surat News
Surat News: શહેરમાં તસ્કરો બેફામ! દિવાળી મનાવવા વતન ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી કરી લાખોની ચોરી


Surat News
Surat News: શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન તસ્કરો બેફામ બન્યા છે. ભેસ્તાન વિસ્તારમાં પરિવાર દિવાળી મનાવવા વતન ગયો હતો, ત્યારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.
બે શંકાસ્પદ તસ્કરોની હિલચાલ કેમેરામાં કેદ
મળતી માહિતી મુજબ, સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી શ્રી વિનાયક રેસિડેન્સીમાં રાત્રિના સમયે બે તસ્કરો પ્રવેશ્યા હતા. ત્યારબાદ આ બંને તસ્કરોએ મકાન નંબર 6ને નિશાન બનાવ્યું હતું. મકાનનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ ઘરમાં તપાસ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત લાખો રૂપિયાની મત્તા ચોરી કરી હતી. ચોરીને અંજામ આપ્યા બાદ બંને તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પરિવાર દિવાળીના તહેવારની ઉજવણી કરવા પોતાના વતન ગયો હોવાથી મકાન બંધ હતું. આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં બે શંકાસ્પદ તસ્કરોની હિલચાલ કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ચાર દિવસના સમયગાળામાં ચોરીના ત્રણ બનાવો સામે આવ્યા
ચોંકાવનારી બાબત એ છે કે એક જ સોસાયટીમાં માત્ર ચાર દિવસના સમયગાળામાં ચોરીના ત્રણ બનાવો સામે આવ્યા છે. વારંવાર ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. સાથે જ પોલીસની કામગીરી અને રાત્રિ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી સોસાયટીના CCTV ફૂટેજના આધારે બંને તસ્કરોને શોધવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના તહેવારમાં બંધ મકાનોને નિશાન બનાવતી ટોળકી સક્રિય હોવાની આશંકા વચ્ચે પોલીસ સામે આરોપીઓને ઝડપી પાડવાનો પડકાર ઊભો થયો છે.




