Surat Fire News: રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં 26 વાહન બળીને ખાખ, ફાયર ટીમે દોઢ કલાકે આગ પર મેળવ્યો કાબૂ

Surat Fire News: સુરત શહેરમાં આગની મોટી ઘટના સામે આવી છે. શહેરના વરાછા રોડ પર પોદ્દાર આર્કેડ પાસે આવેલી રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.
Kunjan Shukal
Kunjan Shukal
Surat Fire NewsSurat Fire News

Surat Fire News

Surat Fire News: સુરત શહેરમાં આગની મોટી ઘટના સામે આવી છે. શહેરના વરાછા રોડ પર પોદ્દાર આર્કેડ પાસે આવેલી રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કેમ્પસમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસ પાર્ક કરવામાં આવેલા અનેક વાહનો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં કુલ 26 વાહન બળીને રાખ થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

મળતી માહિતી મુજબ, રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં એક ઝાડમાં અચાનક આગ લાગી હતી. ત્યારબાદ આગ ઝડપથી ફેલાઈ હતી અને નજીકમાં પાર્ક કરવામાં આવેલી ગાડીઓને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ કેમ્પસમાં પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલી અને લાંબા સમયથી પાર્ક કરાયેલી જૂની તથા બંધ હાલતમાં રહેલી કુલ 32 ગાડીઓ ઊભી રાખવામાં આવી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તેમાંથી 26 ગાડીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે બાકીની 6 ગાડીઓને ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે બચાવી લેવામાં આવી હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરાશે

ઘટનાની જાણ થતાં જ ઘાંચી શેરી ફાયર સ્ટેશનની ટીમ વોટર ટેન્કર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત ઉઠાવી સતત દોઢ કલાકથી વધુ સમય સુધી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આખરે ફાયર ટીમની કામગીરી બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગની આ ઘટનામાં લાખો રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે. જોકે, સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. હવે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: Gir Somnath: રાખેજ ગામે શેરડીના ખેતરમાં ભીષણ આગ, 6 વીઘાનો પાક બળીને ખાખ