Gir Somnath: રાખેજ ગામે શેરડીના ખેતરમાં ભીષણ આગ, 6 વીઘાનો પાક બળીને ખાખ


Gir Somnath
Gir Somnath: રાખેજ ગામે શેરડીના ખેતરમાં ભીષણ આગ, 6 વીઘાનો પાક બળીને ખાખ


Gir Somnath
Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામે શેરડીના ખેતરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગની ઘટનામાં ખેડૂતોનો મહામહેનતે તૈયાર કરેલો શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે. આગના કારણે ખેડૂતોને ચાર લાખ રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું
મળતી માહિતી મુજબ, રાખેજ ગામે શેરડીના ખેતરમાં અચાનક આગ લાગી હતી. ખેડૂતોના આક્ષેપ પ્રમાણે PGVCLના વીજ કેબલમાં સ્પાર્ક થતાં ખેતરમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના શેરડીના પાકને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આગ એટલી ભીષણ હતી કે ખેડૂતો કંઈ સમજે તે પહેલા જ ખેતરમાં ઉભેલો પાક બળવા લાગ્યો હતો.
શેરડીનો પાક સંપૂર્ણપણે બળીને ખાખ
આ દુર્ઘટનામાં અંદાજે 6 વીઘા જમીનમાં ઉભેલો શેરડીનો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. ખેડૂતોએ લાંબા સમયથી મહેનત કરીને પાક તૈયાર કર્યો હતો. પાકની લણણીનો સમય નજીક હોય ત્યારે જ આગ લાગતા ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આંખ સામે તૈયાર પાક બળીને રાખ થઈ જતાં ખેડૂતોને મોટો આઘાત લાગ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ આગની ઘટનામાં ચાર લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. PGVCLની કથિત બેદરકારીને કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ તંત્ર સમક્ષ ન્યાયની માગ કરી છે.
નુકસાનગ્રસ્ત ખેડૂતોની માગ છે કે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક ખેતરનો સર્વે કરવામાં આવે અને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી તેમને વળતર ચૂકવવામાં આવે. સાથે જ વીજ કેબલમાં સ્પાર્ક થવાના કારણોની તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ ઉઠી છે.




