Surat News : સુરત ટ્રાફિક ચોકીમાં ગુંજી કિલકારી, મહિલાને પ્રસૃતિનો દુખાવો અચાનક ઉપડતા કરાઈ સફળ ડિલિવરી



Traffic Police Booth
Surat News : સુરત ટ્રાફિક ચોકીમાં ગુંજી કિલકારી, મહિલાને પ્રસૃતિનો દુખાવો અચાનક ઉપડતા કરાઈ સફળ ડિલિવરી



Traffic Police Booth
Surat News : રાત્રિના સમયે અચાનક પ્રસવ પીડા ઉપડતાં મહિલાને તાત્કાલિક ટ્રાફિક પોલીસ ચોકીમાં લઈ જવામાં આવી હતી. એમ્બ્યુલન્સ પહોંચવામાં વિલંબ થતાં સ્થિતિ ગંભીર બનતા ટ્રાફિક ચોકી જ પ્રસૂતિ સ્થળ બની હતી.
મળતી માહિતી મુજબ, રાત્રે આશરે 3:20 વાગ્યે રેલવે સ્ટેશન ગેટ ખાતે આવેલી ટ્રાફિક પોલીસ ચોકી પાસે એક ગર્ભવતી મહિલા અમલાબેન બળવંતભાઈ વસોનીયાને અચાનક સતત પેટમાં દુખાવો ઉપડ્યો હતો.
ટ્રાફિક ચોકીમાં ગુંજી કિલકારી
મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં ફરજ બજાવી રહેલા TRB જવાનોએ તાત્કાલિક મદદ માટે આગળ આવી મહિલાને ટ્રાફિક પોલીસ ચોકીમાં સુવડાવી હતી. મહિલાને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે, એમ્બ્યુલન્સ પહોંચવામાં વિલંબ થતાં મહિલાની સ્થિતિ વધુ ગંભીર બની હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને TRB પ્રવીણ જગદીશભાઈ સહિતના સાથી જવાનો તાત્કાલિક મહિલાની મદદે આવ્યા હતા.
આ દરમિયાન રેલવે તંત્ર સાથે સંકલન કરીને મેડિકલ ઓફિસર કૌશિક પટેલને પણ તાત્કાલિક ટ્રાફિક પોલીસ ચોકી ખાતે બોલાવવામાં આવ્યા હતા. મેડિકલ ઓફિસર અને TRB જવાનોની સમયસૂચક કામગીરી વચ્ચે ટ્રાફિક પોલીસ ચોકીમાં જ મહિલાની સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી.
TRB જવાનોની પ્રશંસા
અમલાબેન બળવંતભાઈ વસોનીયાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. મૂળ મધ્યપ્રદેશના આ પરિવાર માટે સુરત રેલવે સ્ટેશનની ટ્રાફિક પોલીસ ચોકી જ અચાનક પ્રસૂતિનું સ્થળ બની ગઈ હતી. સમયસર લેવાયેલા નિર્ણય અને તાત્કાલિક મદદના કારણે માતા અને નવજાત બાળકી બંને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સુરત ટ્રાફિક પોલીસ અને TRB જવાનોની આ માનવતાભરી કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે ફરજ દરમિયાન માત્ર ટ્રાફિક વ્યવસ્થા જ નહીં, પરંતુ જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવામાં પણ પોલીસ અને TRB જવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. રાત્રિના સમયે બનેલી આ ઘટના દરમિયાન જવાનોની સતર્કતા, મેડિકલ ઓફિસરની તાત્કાલિક હાજરી અને ટીમવર્કના કારણે એક માતા અને નવજાત બાળકીને સુરક્ષિત રાખવામાં મદદ મળી હતી.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





