Surat News: ડિંડોલી કથિત રૂપિયા 19 લાખ તોડકાંડ કેસ, મીડિયાને નોટીસથી ધમકાવવા જવામાં સુરત શહેર ભાજપમાં કાચુ કપાયુ ?

Surat News: સુરતના ડિંડોલી કથિત રૂ.19 લાખ તોડકાંડમાં પ્રશાંત કોરાટે પ્રતિક્રિયા આપી. વાયરલ ચેટ અને ચેકની તપાસ તથા નોટિસ પાછી ખેંચાવવાની વાત કરી.
Kunjan Shukal
Kunjan Shukal
તોડકાંડ મામલે પ્રશાંત કોરાટે પ્રતિક્રિયા આપીતોડકાંડ મામલે પ્રશાંત કોરાટે પ્રતિક્રિયા આપી

તોડકાંડ મામલે પ્રશાંત કોરાટે પ્રતિક્રિયા આપી

Surat News: સુરતના ડિંડોલીમાં ચર્ચાસ્પદ બનેલા કથિત રૂપિયા 19 લાખના તોડકાંડ મામલે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર વિવાદમાં ભાજપના પ્રદેશ મહામંત્રી અને સુરત શહેર ભાજપ પ્રભારી પ્રશાંત કોરાટે પ્રતિક્રિયા આપતાં મામલે નવો વળાંક આવ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયેલી કથિત ચેટની તપાસ કરવામાં આવશે તેમજ જે કોઈ કસૂરવાર જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે.

કોર્પોરેટરને મીડિયા સામે નોટિસ આપવી જોઈએ નહીં: પ્રશાંત કોરાટ

પ્રશાંત કોરાટે જણાવ્યું કે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે આ મામલે ખુલાસો માગ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયેલી ચેટ અને ચેક અંગે તપાસ કરવામાં આવશે. તપાસમાં જે કોઈની ભૂલ સામે આવશે તેની સામે પક્ષ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મીડિયામાં માહિતી પ્રસારણ અંગે તેમણે કહ્યું કે, કોઈ ચેટ વાયરલ થઈને મીડિયા સુધી પહોંચે તો પત્રકારો તે માહિતીનું પ્રસારણ કરી શકે છે. જોકે, ભાજપના કોર્પોરેટર ભાઈદાસ પાટીલનું નામ જોગ માહિતી પ્રસારિત થતાં તેમણે ડિફેમેશનની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રશાંત કોરાટે વધુમાં જણાવ્યું કે કોર્પોરેટરને મીડિયા સામે નોટિસ આપવી જોઈએ નહીં તે અંગે સમજાવવામાં આવશે. પરેશ પટેલ સાથે ચર્ચા કરીને કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલી પોલીસ અરજી અને મીડિયાને મોકલવામાં આવેલી નોટિસ પાછી ખેંચાવવા માટે પણ કહેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વિવાદમાં શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે અગાઉ પત્રકારોને કથિત તોડકાંડના સમાચાર પ્રસારિત કરવા બદલ નોટિસ આપવાની ચેતવણી આપી હતી.

મીડિયા સામેની કાર્યવાહી અંગે પક્ષની અંદર શું નિર્ણય લેવાશે?

ત્યારબાદ ડિંડોલી પોલીસ મથકમાં કોર્પોરેટર ભાઈદાસ પાટીલના નામે અરજી કરવામાં આવી હતી અને કેટલીક મીડિયા સંસ્થાઓને ડિફેમેશન નોટિસ પણ મોકલવામાં આવી હતી. હવે પ્રશાંત કોરાટની પ્રતિક્રિયા બાદ સવાલો ઊભા થયા છે કે મીડિયા સામેની કાર્યવાહી અંગે પક્ષની અંદર શું નિર્ણય લેવાશે? તેમજ કથિત રૂપિયા 19 લાખના તોડકાંડની ચેટની તપાસમાં શું બહાર આવશે? આ મામલે આગામી દિવસોમાં ભાજપ સંગઠનની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે.

આ પણ વાંચો: Amreli News: સાંસદ ભરત સુતરીયાનો અનોખો અંદાજ, બાળકને ગાડીમાં બેસાડી ઓફિસ લઈ ગયા, શાયરી સંભળાવી જીત્યું દિલ