Get News Alerts

Never miss breaking news updates.

Surat : વેસુ VIP રોડ પર દેશી તમંચો અને ચપ્પુની અણીએ મહિલાને લૂંટવાનો પ્રયાસ, બે આરોપી ઝડપાયા

Surat : વેસુ વિસ્તારમાં VIP રોડ પર કારમાં બેઠેલી મહિલાને દેશી તમંચો અને ચપ્પુ બતાવી લૂંટવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
Kunjan ShuklaUpdated on: 12 Oct 2026 07:07 PM IST
Surat : વેસુ VIP રોડ પર દેશી તમંચો અને ચપ્પુની અણીએ મહિલાને લૂંટવાનો પ્રયાસ, બે આરોપી ઝડપાયાSurat : વેસુ VIP રોડ પર દેશી તમંચો અને ચપ્પુની અણીએ મહિલાને લૂંટવાનો પ્રયાસ, બે આરોપી ઝડપાયા

Surat

Surat : વેસુ વિસ્તારમાં VIP રોડ પર કારમાં બેઠેલી મહિલાને દેશી તમંચો અને ચપ્પુ બતાવી લૂંટવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. મહિલાના ગળા પર ચપ્પુ અને માથા પર દેશી તમંચો તાકીને સોનાની ચેઈન અને બંગડીઓ લૂંટવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે, મહિલાએ હિંમતપૂર્વક પ્રતિકાર કરતાં આરોપીઓનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. પેટ્રોલિંગ કરી રહેલી વેસુ પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને દબોચી લીધા હતા.

મહિલાએ હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો

મળતી માહિતી મુજબ, વેસુ VIP રોડ પર મહિલા પોતાની કારમાં બેઠી હતી, ત્યારે બે શખ્સોએ તેને નિશાન બનાવી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ મહિલાને હથિયારો બતાવી સોનાના દાગીના પડાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મહિલાએ હિંમતપૂર્વક પ્રતિકાર કરતાં ઝપાઝપી થઈ હતી, જેમાં મહિલાના કાંડાના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. આરોપીઓ મહિલાની કાર લઈને ભાગવામાં નિષ્ફળ રહ્યા હતા અને નજીકમાં આવેલી નિર્માણાધીન ઈમારતમાં સંતાઈ ગયા હતા.

મહિલાની બૂમાબૂમ સાંભળીને પેટ્રોલિંગ કરી રહેલી વેસુ પોલીસની ટીમે તાત્કાલિક કોમ્બિંગ હાથ ધરી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આ કેસમાં ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી મહતાબ અબ્દુલ સલામ અને રોશન બુન્દુ સેફીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી દેશી તમંચો, જીવતા કારતૂસ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલાં હથિયારો કબજે કરવામાં આવ્યા છે.

સુરતમાં અગાઉની ચોરીઓનો પણ ભેદ ઉકેલાયો

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, બંને આરોપીઓ 6 ઓક્ટોબરે મેરઠથી સુરત આવ્યા હતા અને રેલવે સ્ટેશન નજીકની એક હોટલમાં રોકાયા હતા. પૂછપરછ દરમિયાન સુરતમાંથી ચોરાયેલી એક એક્ટિવા અને એક બાઈક પણ પોલીસે રિકવર કરી હોવાનું જાણવા મળ્યું છે. વેસુ પોલીસની ઝડપી કાર્યવાહીને પગલે લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Mehsana-Kadiમાં પશુ આહારના ખોળના ગોડાઉનોમાં તપાસ, 1.57 લાખથી વધુ બોરીના જથ્થાની ચકાસણી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.