Surat : અડાજણમાંથી યુવકનું કારમાં અપહરણ કરી રૂ.30 લાખની ખંડણી માગનાર ત્રણ આરોપી ઝડપાયા


Surat
Surat : અડાજણમાંથી યુવકનું કારમાં અપહરણ કરી રૂ.30 લાખની ખંડણી માગનાર ત્રણ આરોપી ઝડપાયા


Surat
Surat : અડાજણ વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરી રૂપિયા 30 લાખની ખંડણી માગવાના ચકચારી બનાવનો પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. અડાજણના એલ.પી. સવાણી રોડ પર મધુવન સર્કલ નજીકથી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ યુવકને બ્લેક કલરની કારમાં બેસાડી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી પરિવારજનો પાસેથી રૂપિયા 30 લાખની ખંડણીની માગણી કરી હતી.
ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી
બનાવની જાણ થતાં અડાજણ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી આરોપીઓ સુધી પહોંચવા માટે વિવિધ ટીમો કામે લગાડી હતી. તપાસ દરમિયાન પોલીસે અડાજણ તેમજ આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા 200થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. CCTV ફૂટેજના આધારે આરોપીઓની કાર અને તેમની હિલચાલ અંગે મહત્વની કડીઓ પોલીસને મળી હતી. આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી પોલીસને આરોપીઓ મહારાષ્ટ્ર તરફ હોવાની માહિતી મળી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે મહારાષ્ટ્રના સુપા ગામ નજીક વોચ ગોઠવી હતી. ત્યારબાદ પુણે-અહલ્યાનગર હાઈવે પરથી ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની પણ શોધખોળ શરૂ કરાઈ
પોલીસે આ કેસમાં રવિરાજ પાટીલ, અમોલ ખરમાળે અને મયુર શિંદેની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઈ વેન્યુ કાર તેમજ ચાર મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. પોલીસની ઝડપી કાર્યવાહીથી અપહરણ કરાયેલા યુવકને સહીસલામત રીતે છોડાવી લેવામાં આવ્યો હતો. બાદમાં યુવકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. સમગ્ર મામલે અડાજણ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે અપહરણ અને ખંડણીના આ ગુનાના અન્ય કોઈ પાસાઓ અથવા સંડોવાયેલા વ્યક્તિઓ છે કે કેમ તે અંગે પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Kheda : પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ આશા વર્કરોએ મોરચો માંડ્યો





