Surat Saree Theft: સુરતમાં સાડી ચોર ગેંગનો પર્દાફાશ, ચાર મહિલા ઝડપાઈ


Surat Saree Theft
Surat Saree Theft: સુરતમાં સાડી ચોર ગેંગનો પર્દાફાશ, ચાર મહિલા ઝડપાઈ


Surat Saree Theft
Surat Saree Theft: સુરત શહેરમાં ખરીદીના બહાને દુકાનદારોને નિશાન બનાવી કિંમતી સાડીઓની ચોરી કરતી મહિલા ટોળકીનો વરાછા પોલીસે પર્દાફાશ કર્યો છે. જૂની બોમ્બે માર્કેટ વિસ્તારમાંથી બે કિંમતી બાંધણી સાડીઓની ચોરી કરનાર ચાર મહિલા આરોપીઓને પોલીસે રાજકોટ ખાતેથી ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલી બંને સાડીઓ પણ કબજે કરી છે.
20,000ની કિંમતની બે કિંમતી બાંધણી સાડીઓ ચોરી કરી
મળતી માહિતી મુજબ, જૂની બોમ્બે માર્કેટમાં આવેલી એક સાડીની દુકાનમાં મહિલાઓનું એક જૂથ ખરીદી કરવાના બહાને પહોંચ્યું હતું. મહિલાઓએ દુકાનદાર સાથે સાડીઓની ખરીદી અંગે વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન ભાવતાલ અને ખરીદીની ચર્ચામાં વેપારીને વ્યસ્ત રાખીને ટોળકીએ પોતાની કરામત બતાવી હતી. વેપારીનું ધ્યાન અન્યત્ર દોરવામાં આવ્યું ત્યારે મહિલાઓએ આશરે રૂપિયા 20,000ની કિંમતની બે કિંમતી બાંધણી સાડીઓ ચોરી કરી લીધી હતી. ઘટના બાદ વેપારીને સાડીઓ ગાયબ હોવાની જાણ થતાં દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ દરમિયાન મહિલાઓની શંકાસ્પદ હરકતો સામે આવી હતી.
તપાસના આધારે પોલીસને આરોપીઓ અંગે મહત્વની કડી મળી
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને અન્ય તપાસના આધારે પોલીસને આરોપીઓ અંગે મહત્વની કડી મળી હતી. ત્યારબાદ વરાછા પોલીસે રાજકોટ ખાતે દરોડો પાડી ચોરીમાં સામેલ ચારેય મહિલા આરોપીઓને ઝડપી પાડી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરવામાં આવેલી આશરે રૂપિયા 20,000ની કિંમતની બંને બાંધણી સાડીઓ કબજે કરી છે. ખરીદીના બહાને વેપારીઓને વાતોમાં પરોવી ચોરી કરતી આ ટોળકી ઝડપાતા વેપારી વર્ગમાં રાહત જોવા મળી રહી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





