Kalol News: છત્રાલ GIDCમાં કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપીઓ ઝડપાયા


Kalol News
Kalol News: છત્રાલ GIDCમાં કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપીઓ ઝડપાયા


Kalol News
Kalol News: ગાંધીનગર જિલ્લાના છત્રાલ GIDC વિસ્તારમાં આવેલી ગણેશ ઈલેક્ટ્રિક વર્ક્સમાં થયેલી ઘરફોડ ચોરીનો કલોલ તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી લીધો છે. દુકાનનું શટર ઊંચું કરીને 74 કિલો કોપર વાયર ચોરી કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું પીકઅપ ડાલું પણ કબજે કર્યું છે.
CCTV કેમેરાના ફૂટેજના આધારે પોલીસને મહત્ત્વની કડીઓ મળી
મળતી વિગતો અનુસાર, છત્રાલ GIDC વિસ્તારમાં આવેલી ગણેશ ઈલેક્ટ્રિક વર્ક્સમાં તસ્કરોએ દુકાનનું શટર ઊંચું કરીને પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનમાંથી અંદાજે 74 કિલો કોપર વાયર ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી કરાયેલા કોપર વાયરની કિંમત આશરે રૂપિયા 74 હજાર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં કલોલ તાલુકા પોલીસ એક્શનમાં આવી હતી અને ચોરીનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન માનવ બાતમીદારોની મદદ તેમજ CCTV કેમેરાના ફૂટેજના આધારે પોલીસને મહત્ત્વની કડીઓ મળી હતી.
ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
પોલીસને મળેલી બાતમી અને ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ અમદાવાદ શહેરના લાંભા, નારોલ અને શાહવાડી વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલો 74 કિલો કોપર વાયર, જેની કિંમત રૂપિયા 74,000 થાય છે, તે કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલું પીકઅપ ડાલું પણ પોલીસે જપ્ત કર્યું છે. કલોલ તાલુકા પોલીસની સતર્કતા અને ઝડપી તપાસના પરિણામે મિલકત સંબંધી ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલવામાં સફળતા મળી છે. હાલ ઝડપાયેલા ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચોરીના ગુનામાં તેમની વધુ સંડોવણી અંગે તપાસ કરવામાં આવી રહી છે.





