Surat : કોસંબા નજીક ચાર વર્ષ જૂના ત્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, દફન કરાયેલા મૃતદેહના અવશેષો પોલીસે બહાર કાઢ્યા


Surat
Surat : કોસંબા નજીક ચાર વર્ષ જૂના ત્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, દફન કરાયેલા મૃતદેહના અવશેષો પોલીસે બહાર કાઢ્યા


Surat
Surat : સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં પરિવારના ત્રણ સભ્યોની હત્યાના ચકચારી મામલે પોલીસ તપાસમાં મહત્વની વિગતો સામે આવી છે. ચાર વર્ષ અગાઉ ગળું દબાવીને હત્યા કરાયેલી ભારતી ઉર્ફે ભગવતી કમલેશભાઈ વસાવાના દફન કરાયેલા મૃતદેહના અવશેષો પોલીસે બહાર કાઢ્યા છે. પોલીસ તપાસ મુજબ, ભારતીની હત્યા બાદ તેના મૃતદેહને કોસંબા નજીક સાવા ગામની સીમમાં આવેલા સ્મશાનમાં દાટી દેવામાં આવ્યો હતો.
પોલીસે FSLની ટીમની મદદથી ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી
પોલીસે આરોપી દંપતી પૈકી માધવ દાસ સાધુને સાથે રાખીને FSLની ટીમની મદદથી ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. આશરે 8 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવામાં આવતા મહિલાનું હાડપિંજર મળી આવ્યું હતું. હાડપિંજરને વધુ તપાસ માટે FSLમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, ટીબીની બીમારીથી પીડાતી યુવતીની સારવાર અને અન્ય ખર્ચથી કંટાળીને પતિ-પત્નીએ કથિત રીતે તેની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને સાવા ગામની સીમમાં સ્મશાનમાં દાટી દેવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. હાલ હત્યાના આ કેસમાં આરોપી દંપતી પોલીસ રિમાન્ડ પર છે.
પોલીસની તપાસમાં બાતમીદાર જ આરોપી નીકળ્યો હતો
પોલીસ તપાસમાં એવો પણ આક્ષેપ છે કે આશરે ચાર વર્ષ અગાઉ માધવ દાસે તેની પત્ની સાથે મળીને બીમારીથી પીડાતી પોતાની માતા મંજુલા સાધુ, સાળી ભારતી વસાવા અને મિલકતના વિવાદને લઈને દાદી સાસુ શાંતાબેન વસાવાની હત્યા કરી હતી. આરોપીઓએ માતા અને સાળીના મોતને બીમારીના કારણે થયેલા મોત તરીકે અને શાંતાબેનના મૃત્યુને કોરોના કારણે થયેલું મોત હોવાનું લોકોને જણાવ્યું હોવાનો પોલીસનો દાવો છે.
આ દરમિયાન પત્ની સાથે અણબનાવ થતાં માધવ દાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યો હતો અને તેની પત્નીએ દાદી સાસુની હત્યા કરી હોવાની ફરિયાદ કરી હતી. જોકે, પોલીસની તપાસ આગળ વધતાં ફરિયાદ કરનાર જ આ સમગ્ર મામલામાં શંકાસ્પદ આરોપી હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય વિગતો મેળવવા માટે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Mehsana : નીતિનભાઈ પોતે એક બ્રાન્ડ, તેમનું કામ આપણે બધાએ ક્યારેય માપ્યું નથી : શંકર ચૌધરી




