Surat: કીમમાં ફૂલ વેચતી મહિલાના ઘરમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, 11 તોલા સોનું અને રોકડ પરત



Surat
Surat: કીમમાં ફૂલ વેચતી મહિલાના ઘરમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, 11 તોલા સોનું અને રોકડ પરત



Surat
Surat: સુરત જિલ્લાના કીમ ગામમાં વર્ષોથી ફૂલ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી શ્રમજીવી મહિલા અલકાબેન માળીના ઘરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ કીમ પોલીસે ઉકેલી કાઢ્યો છે. મહિલાના ઘરમાંથી ચોરાયેલા 11 તોલા સોનાના દાગીના અને રોકડ રકમ પોલીસે રિકવર કરી છે. ચોરીનો તમામ મુદ્દામાલ પરત મળતાં પીડિત મહિલાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા.
મંદિરે ફૂલ વેચવા ગયા અને ઘરમાં થઈ ચોરી
અલકાબેન માળી રોજની જેમ સવારે મંદિરે ફૂલ વેચવા માટે ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી કબાટ તોડી તેમાં રાખેલા સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી કરી લીધી હતી. આ દાગીના મહિલાની જીવનભરની મહેનતની કમાણી હોવાનું સામે આવ્યું છે.
કીમ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી
ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં જ કીમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ટેક્નિકલ અને અન્ય તપાસના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ આરોપીના પગેરું મેળવવામાં સફળ રહી હતી.
આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો
પોલીસ ટીમ આરોપીનો પીછો કરતાં મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના ધરણગાંવ સુધી પહોંચી હતી. ત્યાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને રિમાન્ડ પર લઈ પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીનો ગુનો કબૂલ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
11 તોલા સોનું અને રોકડ રિકવર
કીમ પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલો તમામ 11 તોલા સોનાનો મુદ્દામાલ અને રોકડ રકમ સફળતાપૂર્વક રિકવર કરી હતી. આમ મહિલાની જીવનભરની બચત સુરક્ષિત રીતે પરત મેળવવામાં આવી હતી.
DY CMના હસ્તે મહિલાને દાગીના પરત
પોલીસની કાર્યવાહી બાદ ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈના હસ્તે અલકાબેનને ચોરી થયેલા દાગીના અને રોકડ પરત સોંપવામાં આવ્યા હતા. દાગીના હાથમાં આવતાં જ મહિલાની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ પ્રસંગે DY CM હર્ષભાઈએ પોલીસની કામગીરીની પ્રશંસા કરતાં મહિલાને કહ્યું કે “પોલીસ હનુમાનના દૂત છે.”
ચોરાયેલા દાગીના અને રોકડ પરત મળતાં અલકાબેને કીમ પોલીસ સ્ટાફ તથા ઉચ્ચ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કીમ પોલીસની ઝડપી કાર્યવાહીથી શ્રમજીવી મહિલાની વર્ષોની મહેનતની કમાણી તેને પરત મળી છે.
આ પણ વાંચો : Fly dubai હુમલામાં મોટો ખુલાસો: કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કરનાર કોપાઈલટની ઓળખ જાહેર





