Kutch News: ભુજની પાલારા જેલમાંથી વચગાળાના જામીન પર છૂટેલો હત્યા-લૂંટનો આરોપી 5 વર્ષ બાદ જોધપુરથી ઝડપાયો


લૂંટનો આરોપી 5 વર્ષ બાદ રાજસ્થાનથી ઝડપાયો
Kutch News: ભુજની પાલારા જેલમાંથી વચગાળાના જામીન પર છૂટેલો હત્યા-લૂંટનો આરોપી 5 વર્ષ બાદ જોધપુરથી ઝડપાયો


લૂંટનો આરોપી 5 વર્ષ બાદ રાજસ્થાનથી ઝડપાયો
Kutch News: ભુજની ખાસ પાલારા જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ છેલ્લા પાંચ વર્ષથી ફરાર રહેલા ગંભીર ગુનાના આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની પેરોલ-ફર્લો સ્ક્વોડે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા, લૂંટ, કાવતરું અને પુરાવાનો નાશ કરવા સહિતના ગુનાઓમાં સજા પામેલા આરોપીને જોધપુર નજીકથી ઝડપી પાડી ફરી પાલારા જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.
View post on Instagram
આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી
પશ્ચિમ કચ્છના SP વિકાસ સુંડાની દેખરેખ હેઠળ ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત પેરોલ-ફર્લો સ્ક્વોડે કેદી નંબર 18/24 સુખજીન્દરસિંગ ઉર્ફે સુખી હજુરાસિંગ જાટને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી માંડવી પોલીસ સ્ટેશનના વર્ષ 2019ના હત્યા, લૂંટ, કાવતરું અને પુરાવા નષ્ટ કરવાના ગુનામાં સંડોવાયેલો હતો. પાલારા જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. તેને પકડવા માટે પોલીસ દ્વારા ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
આરોપીનું મોબાઈલ લોકેશન મળતાં પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી
આરોપીને શોધવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, વોટ્સએપ અને શંકાસ્પદ Gmail એકાઉન્ટના આધારે તપાસ શરૂ કરી હતી. CDR અને અન્ય ટેકનિકલ વિગતોના વિશ્લેષણમાં આરોપી પંજાબ અને રાજસ્થાન વચ્ચે વારંવાર મુસાફરી કરતો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ટોલ પ્લાઝાની ટ્રાવેલિંગ હિસ્ટ્રીના આધારે આરોપી રાજસ્થાનના જોધપુર નજીક આવેલા ઉગલાઈ ગામમાં રાત્રિ રોકાણ કરતો હોવાની માહિતી મળી હતી. 25 નવેમ્બરે આરોપીનું મોબાઈલ લોકેશન મળતાં પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી હતી.
આખરે 26 નવેમ્બરની વહેલી સવારે 5:30 વાગ્યે ઉગલાઈ-જોધપુર રોડ પર આવેલી નાગરેચા હોટલમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજસ્થાનના બાલેસર પોલીસ સ્ટેશનમાં જરૂરી નોંધ કરાવી આરોપીને આગળની કાર્યવાહી માટે ભુજની પાલારા ખાસ જેલ ખાતે સોંપવામાં આવ્યો હતો. આમ, પશ્ચિમ કચ્છ પોલીસની ટેકનિકલ તપાસ અને સતત કામગીરીના પરિણામે પાંચ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.




