Surat Chhath Puja 2026: છઠ મહાપર્વની ભવ્ય ઉજવણી, તાપી કિનારે હજારો શ્રદ્ધાળુઓએ અસ્તાચળ સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું


Surat Chhath Puja 2026 Celebration
Surat Chhath Puja 2026: છઠ મહાપર્વની ભવ્ય ઉજવણી, તાપી કિનારે હજારો શ્રદ્ધાળુઓએ અસ્તાચળ સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું


Surat Chhath Puja 2026 Celebration
Surat Chhath Puja 2026: હીરાનગરી સુરતમાં લોકઆસ્થા અને સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠ પૂજાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સાંજે શહેરના વિવિધ ઘાટ પર બિહાર અને પૂર્વાંચલના હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. તાપી નદીના કિનારે વ્રતધારીઓએ અસ્તાચળ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
છઠ્ઠી મૈયાની આરાધનાનું વિશેષ મહત્વ
છઠ મહાપર્વમાં સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની આરાધનાનું વિશેષ મહત્વ છે. આ પર્વ દરમિયાન ખાસ કરીને મહિલાઓ દ્વારા 36 કલાકનો નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે. વ્રતધારીઓ પૂજાની સામગ્રીથી સજાવેલી ટોપલીઓ અને સૂપડીઓ સાથે નદી કે જળાશયના કિનારે પહોંચીને સૂર્યદેવની પૂજા કરે છે.
18 જેટલા ઘાટ તૈયાર કરવામાં આવ્યા
સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે શહેરમાં અંદાજે 18 જેટલા ઘાટ તૈયાર કરવામાં આવ્યા હતા. કોઝવે, ડભોલી, છઠ સરોવર સહિત શહેરના અલગ-અલગ સ્થળોએ છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી નદીના વિવિધ ઘાટ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. કેટલાક ઘાટ પર 50,000થી વધુ શ્રદ્ધાળુઓની હાજરી નોંધાઈ હોવાનું જણાવાયું હતું.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા
તમને જણાવી દઈએ કે સુરત શહેરમાં ભવ્ય રીતે છઠ પૂજાનો પર્વ ઉજવાઈ રહ્યો છે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં છઠ પૂજાના પર્વનું આયોજન કરાયું છે. સંતાન પ્રાપ્તિ માટે પણ આ પૂજાનું ઘણું મહત્વ હોય છે. ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહાપર્વની ઉજવણીથી તાપી નદીના કિનારા ભક્તિમય બની ગયા
શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઘાટ પર લાઇટિંગ, મંડપ અને અન્ય જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ ઘાટ પર આવેલા મંદિરો અને મૂર્તિઓની પૂજા-અર્ચના પણ કરવામાં આવી હતી.
છઠ મહાપર્વના અંતિમ દિવસે આવતીકાલે સવારે વ્રતધારીઓ ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરશે. ત્યારબાદ 36 કલાકના કઠિન નિર્જળા ઉપવાસનું પારણું કરવામાં આવશે. આમ, સુરતમાં છઠ મહાપર્વની ઉજવણીથી તાપી નદીના કિનારા ભક્તિમય બની ગયા છે. બિહાર અને પૂર્વાંચલના લોકોની મોટી ભાગીદારીથી શહેરમાં ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક પરંપરાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Vadodara Chhath Puja Celebration: કોટના બીચ ખાતે છઠ પૂજાની ભવ્ય ઉજવણી, 20,000 શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા




