Vadodara Chhath Puja Celebration: કોટના બીચ ખાતે છઠ પૂજાની ભવ્ય ઉજવણી, 20,000 શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા

Vadodara Chhath Puja Celebration: સંસ્કારી નગરી વડોદરામાં ઉત્તર ભારતીય અને બિહારી સમાજ દ્વારા લોકઆસ્થા અને સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠ પૂજાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Vadodara Chhath Puja 2026 CelebrationVadodara Chhath Puja 2026 Celebration

Vadodara Chhath Puja 2026 Celebration

Vadodara Chhath Puja Celebration: સંસ્કારી નગરી વડોદરામાં ઉત્તર ભારતીય અને બિહારી સમાજ દ્વારા લોકઆસ્થા અને સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠ પૂજાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા શહેરના કોટના બીચ ખાતે છઠ પૂજા નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સૂર્યદેવ તથા છઠ્ઠી મૈયાની આરાધના કરી હતી.

મહાભંડારાની વિશેષ વ્યવસ્થા ઊભી કરી

છઠ પૂજા એ પ્રકૃતિ અને સૂર્યદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર તહેવાર છે. આ ચાર દિવસીય મહાપર્વમાં વ્રતધારીઓ ભગવાન સૂર્ય અને છઠ્ઠી મૈયાની ઉપાસના કરે છે. આ પર્વની વિશેષતા એ છે કે તેમાં પ્રથમ દિવસે અસ્તાચળ સૂર્યને અને બીજા દિવસે ઉદયમાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. આ પરંપરા જીવનના દરેક તબક્કાને સમાન ભાવથી સ્વીકારવાનો સંદેશ આપે છે.

કોટના બીચ ખાતે આયોજકોએ અંદાજે 20,000 શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને રહેવાની અને મહાભંડારાની વિશેષ વ્યવસ્થા ઊભી કરી હતી. ઉત્સવને વધુ ભવ્ય બનાવવા માટે ખાસ બનારસથી આવેલા પંડિતો દ્વારા ભવ્ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પ્રાર્થના કરાઈ

છઠ પૂજા દરમિયાન વ્રતધારીઓએ પરંપરાગત રીતે પૂજાની સામગ્રીથી સજાવેલી સૂપડીઓ સાથે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ઉત્સવ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમો તૈનાત રાખવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

આમ, વડોદરાના કોટના બીચ ખાતે છઠ પૂજાના આયોજનથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો અને ઉત્તર ભારતીય સમાજની ધાર્મિક પરંપરા તથા સાંસ્કૃતિક એકતાની સુંદર ઝલક જોવા મળી હતી.

આ પણ વાંચો: Bharuch News: જૂના બોરભાઠા બેટમાં APL-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 36 ટીમ વચ્ચે જામશે જંગ