Sabarkantha News: બટાકાના વાવેતરમાં 30થી 50 ટકાનો ઘટાડો, નહિવત વરસાદને કારણે કૂવા અને બોરના જળસ્તર તળિયે પહોંચ્યા


Sabarkantha Farmer Potato Cultivation News
Sabarkantha News: બટાકાના વાવેતરમાં 30થી 50 ટકાનો ઘટાડો, નહિવત વરસાદને કારણે કૂવા અને બોરના જળસ્તર તળિયે પહોંચ્યા


Sabarkantha Farmer Potato Cultivation News
Sabarkantha News: બટાકાના હબ ગણાતા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે બેવડી મુસીબતમાં મુકાયા છે. એક તરફ નહિવત વરસાદ અને ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા પાણીની અછત સર્જાઈ છે તો બીજી તરફ મોંઘાદાટ બિયારણ, ખાતર અને દવાઓના ખર્ચે ખેડૂતોની કમર તોડી નાખી છે. જેના પરિણામે સાબરકાંઠામાં ચાલુ વર્ષે બટાકાના વાવેતરમાં 30 થી 50 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. જગતના તાતની આ વ્યથા પર જુઓ અમારો આ ખાસ અહેવાલ.
મોંઘવારીએ પણ ખેડૂતોની ચિંતા વધારી
સાબરકાંઠા જિલ્લો એટલે બટાકાની ખેતીનું હબ. જિલ્લાની સરેરાશ 60 ટકા જમીનમાં દર વર્ષે બટાકાનું મબલખ વાવેતર થતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે કુદરત જાણે ખેડૂતોથી રૂઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નહિવત વરસાદને કારણે કૂવા અને બોરના જળસ્તર તળિયે પહોંચી ગયા છે. સિંચાઈના પાણીની ભારે અછત વચ્ચે ગત વર્ષની સરખામણીએ બટાકાના વાવેતરમાં 30 થી 40 ટકા અને અમુક વિસ્તારોમાં તો 50 ટકા સુધીનો મોટો કાપ મૂકવાની ખેડૂતોને ફરજ પડી છે.
બિયારણની ગુણવત્તા સામે ખેડૂતોએ ગંભીર સવાલો ઉઠાવ્યા
માત્ર પાણી જ નહીં, પરંતુ મોંઘવારીએ પણ ખેડૂતોની ચિંતા વધારી છે. બટાકાની ખેતીમાં એક એકર દીઠ અંદાજે 60 થી 80 હજાર રૂપિયા જેટલો તોતિંગ ખર્ચ થતો હોય છે. મોંઘાદાટ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના ભાવ આસમાને પહોંચતા ખેડૂતોએ વ્યાજે રૂપિયા લઈને ખેતી કરવાનો વારો આવ્યો છે. આટલો ખર્ચ કર્યા બાદ પણ બિયારણની ગુણવત્તા સામે ખેડૂતોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જેના કારણે ચાલુ વર્ષે ઉત્પાદન પણ ઓછું મળવાની ભીતિ સેવાઈ રહી છે. સાબરકાંઠાના ઈતિહાસમાં બટાકાની ખેતીમાં ચાલુ વર્ષે સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. દેવાના ડુંગર નીચે દબાયેલા અને પાણી વગર લાચાર બનેલા ધરતીપુત્રો હવે સરકાર અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી ખાનગી કંપનીઓ સામે મીટ માંડીને બેઠા છે.
સાબરકાંઠાના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને વ્યાજના પૈસે બટાકાનું વાવેતર તો કર્યું છે, પરંતુ પાતાળમાં ગયેલા પાણી અને વધતા ખર્ચે તેમની ઊંઘ હરામ કરી દીધી છે. ખેડૂતોની માગ છે કે સરકાર અને કંપનીઓ આ કપરા સમયમાં તેમને આર્થિક સહાય અને યોગ્ય વળતર પૂરું પાડે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને ખાનગી કંપનીઓ જગતના તાતની વ્હારે ક્યારે આવે છે.
આ પણ વાંચો: Surat BJP Controversy: સુરતમાં 19 લાખના કથિત તોડકાંડની ચર્ચા વચ્ચે મનીષ નાયકનું નિવેદન, વોટ્સએપ ચેટ અને લિંબાયત ઝોનમાં દુકાનો સીલ કરવા મુદ્દે કર્યો ખુલાસો




