Rajkot : ઓછા વરસાદના કારણે મોટાભાગના ડેમોમાં પાણીની આવક ઓછી, માત્ર 3 ડેમ જ ઓવરફ્લો


Rajkot
Rajkot : ઓછા વરસાદના કારણે મોટાભાગના ડેમોમાં પાણીની આવક ઓછી, માત્ર 3 ડેમ જ ઓવરફ્લો


Rajkot
Rajkot : રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેતા મોટાભાગના ડેમોમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આવેલા ડેમોના કેચમેન્ટ વિસ્તારમાં અત્યાર સુધીમાં સરેરાશ 15થી 16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક ડેમોમાં પાણીનો જથ્થો હજુ પણ તેમની કુલ ક્ષમતાની સરખામણીએ ઓછો છે.
જિલ્લામાં નાના-મોટા મળી કુલ 27 ડેમ
રાજકોટ જિલ્લામાં નાના-મોટા મળી કુલ 27 ડેમ આવેલા છે. તેમાંથી આજી-2, આજી-3 અને ન્યારી-2 ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે બાકીના 15 ડેમોમાં અંદાજે 60થી 70 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના અન્ય 9 ડેમોમાં પાણીનો જથ્થો માત્ર 30થી 40 ટકા જેટલો હોવાનું સામે આવ્યું છે. મુખ્ય ડેમોની વાત કરીએ તો ભાદર-1 ડેમમાં હાલ આશરે 25 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે આજી-1 ડેમ 53 ટકા અને ન્યારી-1 ડેમમાં આશરે 50 ટકા પાણી ભરાયેલું છે. આજી-1 અને ન્યારી-1 ડેમમાં સૌની યોજના મારફતે પાણી ઠાલવવામાં આવે છે, જેના કારણે રાજકોટ શહેર સહિત આસપાસના વિસ્તારોની પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળે છે.
લાલપરી ડેમમાં 100 ટકા પાણી
ધોરાજી અને ઉપલેટા નજીક આવેલા સિંચાઈ માટે મહત્વના ભાદર-2 ડેમમાં હાલમાં આશરે 78 ટકા પાણીનો જથ્થો છે. રાજકોટ શહેર નજીક આવેલા લાલપરી ડેમમાં 100 ટકા પાણી ભરાયેલું છે. જ્યારે ખોડાપીપર ડેમ 92 ટકા અને ફાડ દંગ બેટી ડેમમાં આશરે 62 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. ગોંડલના વેરી તળાવમાં હાલમાં આશરે 40 ટકા પાણી ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. આમ, જિલ્લામાં ત્રણ ડેમ ઓવરફ્લો થયા હોવા છતાં મોટાભાગના જળાશયોમાં પાણીનો જથ્થો મર્યાદિત છે. ઓછા વરસાદના કારણે રાજકોટ જિલ્લાના જળસ્રોતો પર આગામી સમય માટે પણ નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને પીવાના પાણી અને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા ડેમોમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે મહત્વનું બની રહ્યું છે.





