Rajkot : કાલાવડ રોડની એમ.જી. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ યથાવત, ભોજનની ગુણવત્તા સામે સવાલો


Rajkot
Rajkot : કાલાવડ રોડની એમ.જી. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ યથાવત, ભોજનની ગુણવત્તા સામે સવાલો


Rajkot
Rajkot : રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી એમ.જી. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂખ હડતાળ આજે પણ યથાવત છે. હોસ્ટેલમાં મળતા ભોજનની ગુણવત્તા સામે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉથી સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર ભોજન ખરાબ હોવાનો અને ભોજનમાંથી જીવડું નીકળ્યાનો આક્ષેપ થતાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભોજન અંગે ફૂડ શાખા દ્વારા પણ તપાસ કરવામાં આવી
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, હોસ્ટેલમાં લાંબા સમયથી ભોજનની ગુણવત્તાને લઈને સમસ્યા ચાલી રહી છે. નબળી ગુણવત્તાના ભોજન અંગે ફૂડ શાખા દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓનું કહેવું છે કે તપાસ બાદ પણ ભોજનની ગુણવત્તામાં અપેક્ષિત સુધારો થયો નથી. ગત સપ્તાહે મીડિયાના રિયાલિટી ચેક દરમિયાન પણ હોસ્ટેલમાં ભોજન સહિતની વ્યવસ્થામાં અનેક અનિયમિતતાઓ સામે આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ ફરી ગઈકાલે સાંજે આપવામાં આવેલા ભોજનની ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા.
વિદ્યાર્થીઓના આરોપ મુજબ, ભોજનમાં જીવડું પણ મળી આવ્યું હતું. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓએ ન્યાયની માગ સાથે ભૂખ હડતાળ શરૂ કરી છે. વિદ્યાર્થીઓની મુખ્ય માગ છે કે હોસ્ટેલમાં ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ ભોજન આપવામાં આવે તેમજ ભોજનની ગુણવત્તા અંગે કાયમી ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.
તંત્ર શું કાર્યવાહી કરશે તેની પર નજર?
વિદ્યાર્થીઓનું કહેવું છે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ભોજન એ મૂળભૂત જરૂરિયાત છે અને તેમાં બેદરકારી ચલાવી શકાય નહીં. જ્યાં સુધી તેમની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખવાની વાત પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. હવે વિદ્યાર્થીઓની રજૂઆત બાદ સંબંધિત તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને ભોજનની ગુણવત્તા અંગેની ફરિયાદોનું કાયમી નિરાકરણ ક્યારે આવે છે, તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો : Surat : વેસુમાં Blinkit ફરી આવ્યું વિવાદમાં, વાસી બ્રેડ આપ્યાની ફરિયાદ





