Virpur Fire Incident: રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેના કામગીરી પ્લાન્ટમાં આગ, ફાયર વિભાગે સમયસર કાબૂ મેળવ્યો


આગના પગલે પ્લાન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
Virpur Fire Incident: રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેના કામગીરી પ્લાન્ટમાં આગ, ફાયર વિભાગે સમયસર કાબૂ મેળવ્યો


આગના પગલે પ્લાન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
Virpur Fire Incident: રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલી કામગીરી દરમિયાન વીરપુર નજીક આવેલા પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ડામર બનાવવાની મશીનરીમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં પ્લાન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળતા આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી.
મશીનરીમાં અચાનક આગ લાગી
પ્રાપ્ત માહિતી અનુસાર, વીરપુર નજીક રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેની કામગીરી માટે ડામર બનાવવાનો પ્લાન્ટ કાર્યરત છે. આ પ્લાન્ટમાં ડામર બનાવવાની મશીનરીમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની શરૂઆત કરતાં પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી હતી.
ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી
ઘટનાની જાણ થતાં તાત્કાલિક જેતપુર અને ગોંડલ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બંને ફાયર વિભાગની ટીમો ફાયર ફાઈટર વાહનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લીધો હતો. સમયસર ફાયર વિભાગની ટીમો પહોંચી જતાં મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી
આગની ઘટનાને પગલે પ્લાન્ટમાં રહેલી મશીનરીને નુકસાન થયું હોવાની શક્યતા છે. જોકે, નુકસાન અંગેની ચોક્કસ વિગતો સામે આવી નથી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. મશીનરીમાં ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણસર આગ લાગી હતી તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. હાઈવેની કામગીરી દરમિયાન બનેલી આ ઘટનાને પગલે સુરક્ષાના પગલાં અંગે પણ સવાલો ઊભા થયા છે.




