Rajkot : બોગસ લોન કૌભાંડનો પર્દાફાશ, વધુ 15 ખેડૂતો પોલીસ સમક્ષ પહોંચ્યા


Rajkot
Rajkot : બોગસ લોન કૌભાંડનો પર્દાફાશ, વધુ 15 ખેડૂતો પોલીસ સમક્ષ પહોંચ્યા


Rajkot
Rajkot : ગ્રામ્ય પોલીસે પકડેલા બોગસ કોલ સેન્ટર અને લોન કૌભાંડના મામલે હવે વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કૌભાંડનો ભોગ બનેલા વધુ 15 જેટલા ખેડૂતો પોલીસ સમક્ષ પહોંચ્યા છે. ખેડૂતોએ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી અને આરોપીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
ગેંગ ખેડૂતોને લોન અપાવવાની વાત કરી પોતાની જાળમાં ફસાવતો હોવાનો ખુલાસો
ખેડૂતોના જણાવ્યા મુજબ, આરોપીઓએ લોન અપાવવાની લાલચ આપી તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હતો. કોઈ ખેડૂતે 7 લાખ રૂપિયા તો કોઈએ 10 લાખ રૂપિયા સુધીની લોન લીધી હતી. પરંતુ લોનની પ્રક્રિયાના બહાને ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાની કિંમત ધરાવતી જમીનના દસ્તાવેજો કરાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બાલાજી લોન હાઉસ, શ્રી અષ્ટ લક્ષ્મી લોન હાઉસ, ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પટેલ ઈન્વેસ્ટમેન્ટ પોઇન્ટ સહિતના નામે પેઢીઓ ચલાવતા હતા. આરોપી અલ્પેશ દોંગા, અક્ષિત અકબરી સહિતની ગેંગ ખેડૂતોને લોન અપાવવાની વાત કરી પોતાની જાળમાં ફસાવતી હોવાનો ખુલાસો થયો છે.
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
આરોપીઓએ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં અસંખ્ય ખેડૂતોને પોતાની જાળમાં ફસાવી કરોડો રૂપિયાની જમીન અન્યના નામે દસ્તાવેજ કરાવી લીધી હોવાની આશંકા છે. ખેડૂતો જ્યારે પોતાના જમીનના દસ્તાવેજો પરત માગવા જતા ત્યારે તેમને ધમકાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, દસ્તાવેજ પરત મેળવવા માટે ડબલ રૂપિયા ચૂકવવા પડશે તેવી માગ આરોપીઓ દ્વારા કરવામાં આવતી હોવાનો ખેડૂતોનો દાવો છે. સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે અપીલ કરી છે કે અલ્પેશ દોંગા સહિતની ગેંગ પાસેથી લોનના નામે કોઈ ખેડૂત ભોગ બન્યો હોય તો તેણે નિર્ભય બની પોલીસનો સંપર્ક કરવો. પોલીસ દ્વારા આવા તમામ ભોગ બનનારાઓની ફરિયાદ અને વિગતોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : Junagadh: હાલ ગિરનાર સીડી પર રજીસ્ટ્રેશન બંધ કરાયું, સિંહે બાળકને ફાડી ખાધા યાત્રીઓની સુરક્ષા માટે શરૂ કર્યું હતું





