Panchmahal News: ઓરવાડાના બેટડી ફળિયામાં 'રોડ નહીં તો વોટ નહીં', 423 મતદારોનો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય


બેટડી ફળિયામાં 'રોડ નહીં તો વોટ નહીં
Panchmahal News: ઓરવાડાના બેટડી ફળિયામાં 'રોડ નહીં તો વોટ નહીં', 423 મતદારોનો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય


બેટડી ફળિયામાં 'રોડ નહીં તો વોટ નહીં
Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડા ગામમાં આગામી સરપંચની ચૂંટણી પહેલાં સ્થાનિક સમસ્યાને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. ઓરવાડા ગામના બેટડી ફળિયાના રહીશોએ વર્ષોથી પાકા રસ્તાની સુવિધા ન મળતાં આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક રહીશોએ ‘રોડ નહીં તો વોટ નહીં’ના સૂત્ર સાથે બેનરો લગાવી તંત્ર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
બેટડી ફળિયામાં 300થી વધુ ઘર આવેલા
મળતી માહિતી મુજબ, બેટડી ફળિયામાં 300થી વધુ ઘરો આવેલા છે. અહીં આશરે 423 મતદારો સહિત કુલ 700 જેટલી વસ્તી વસવાટ કરે છે. આટલી મોટી વસ્તી હોવા છતાં ફળિયામાં પાકા રસ્તાની સુવિધા ઉપલબ્ધ ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. રહીશોના જણાવ્યા અનુસાર, ફળિયામાં પાકો રોડ બનાવવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. આ અંગે અનેકવાર ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી છે. જોકે, વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.
વાહનોની અવરજવરમાં પણ હાલાકી
ચોમાસા સહિતના દિવસોમાં રસ્તાની સમસ્યાને કારણે સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ છે. રોજિંદા કામકાજ માટે બહાર જવા અને વાહનોની અવરજવરમાં પણ હાલાકી ભોગવવી પડતી હોવાના કારણે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. આખરે આગામી સરપંચની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેટડી ફળિયાના રહીશોએ એકસાથે આવી મતદાન બહિષ્કારનો નિર્ણય લીધો છે. ફળિયામાં ઠેરઠેર ‘રોડ નહીં તો વોટ નહીં’ના બેનરો લગાવીને પોતાની માગ મજબૂત રીતે રજૂ કરી છે.
હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પહેલાં તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા રસ્તાની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે કે નહીં. સ્થાનિક રહીશોની માગ સ્વીકારવામાં નહીં આવે તો 423 જેટલા મતદારો મતદાનથી અળગા રહે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.




