Panchmahal News: ગોધરામાં MGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ, 70 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ


ગોધરામાં MGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ
Panchmahal News: ગોધરામાં MGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ, 70 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ


ગોધરામાં MGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ
Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વીજ ચોરી સામે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં એકસાથે 42 ટીમો ઉતારી વીજ જોડાણોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વીજ ચોરી અને અન્ય ગેરરીતિના કુલ 70 કિસ્સા સામે આવ્યા હતા. MGVCL દ્વારા અંદાજે રૂપિયા 1.06 કરોડની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.
42 ટીમ તૈનાત કરવામાં આવી
મળતી માહિતી અનુસાર, ગોધરા શહેરમાં વીજ ચોરીને અટકાવવા અને વીજ વપરાશમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી આ વિશેષ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે MGVCL દ્વારા કુલ 42 ટીમો તૈનાત કરવામાં આવી હતી. ટીમોએ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન કુલ 181 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 70 વીજ જોડાણોમાં ગેરરીતિ અને વીજ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ ગેરરીતિઓને કારણે અંદાજે રૂપિયા 1.06 કરોડની વીજ ચોરી થઈ હોવાનું MGVCL દ્વારા જાણવા મળ્યું છે.
વીજ ચોરી કરતા તત્વો સામે કડક વલણ
વીજ ચોરીના કિસ્સા સામે આવ્યા બાદ સંબંધિત વીજ ગ્રાહકો સામે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વીજ કંપની દ્વારા વીજ ચોરી કરતા તત્વો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી ગોધરા શહેરમાં વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. MGVCL દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વીજ ચોરી અટકાવવા માટે આવી તપાસ અને ચેકિંગની કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
વીજ જોડાણમાં ગેરરીતિ કરનારા અને નિયમોનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મેગા ચેકિંગ ડ્રાઈવને પગલે વીજ ચોરી સામે વીજ કંપનીની કાર્યવાહી વધુ તેજ બની છે. હવે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.




