Navsari Highway Accident: નવસારી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સુરતના પરિવારનો ટેમ્પો પલટ્યો, 16 લોકો ઘાયલ

Navsari Highway Accident: સુરતનો એક પરિવાર વલસાડના પારનેરા ડુંગરેથી દર્શન અને ફરવા જઈને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન પરિવારનો ટેમ્પો અચાનક પલટી ખાઈ ગયો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
Navsari Highway AccidentNavsari Highway Accident

Navsari Highway Accident

Navsari Highway Accident: નવસારી હાઈવે પર કટારીયા શૉ રૂમ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતનો એક પરિવાર વલસાડના પારનેરા ડુંગરેથી દર્શન અને ફરવા જઈને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન પરિવારનો ટેમ્પો અચાનક પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં 6 બાળકો સહિત કુલ 16 લોકો ઈજાગ્રસ્ત થતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા

મળતી માહિતી મુજબ, સુરતનો પરિવાર વલસાડના પારનેરા ડુંગરની મુલાકાત લઈને ટેમ્પોમાં પોતાના વતન પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન નવસારી હાઈવે પર કટારીયા શૉ રૂમ નજીક પહોંચતા કોઈ કારણસર ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે ટેમ્પો રસ્તા પર પલટી ખાઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પોમાં સવાર અનેક લોકોને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને ટેમ્પોમાંથી બહાર કાઢી સારવાર માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અનેક લોકોને હાથ અને પગમાં ફ્રેક્ચર થયું

અકસ્માતમાં 6 બાળકો સહિત કુલ 16 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોમાં અનેક લોકોને હાથ અને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં તમામ ઈજાગ્રસ્તોને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ, અકસ્માતની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગેની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે. ટેમ્પો કયા કારણોસર પલટી ખાયો અને અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવાર સાથે ફરવા ગયેલા લોકો અકસ્માતનો ભોગ બનતાં તેમના સ્વજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Gandhinagar News: દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં વેકેશનમાં પણ મધ્યાહન ભોજન અને દૂધ સંજીવની યોજના ચાલુ રાખવાની માગ