Gandhinagar News: દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં વેકેશનમાં પણ મધ્યાહન ભોજન અને દૂધ સંજીવની યોજના ચાલુ રાખવાની માગ


Gandhinagar News
Gandhinagar News: દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં વેકેશનમાં પણ મધ્યાહન ભોજન અને દૂધ સંજીવની યોજના ચાલુ રાખવાની માગ


Gandhinagar News
Gandhinagar News: ગુજરાતના ચાર દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં ઉનાળુ વેકેશન દરમિયાન પણ પીએમ પોષણ યોજના અને દૂધ સંજીવની યોજના ચાલુ રાખવાની માગ ઉઠી છે. આ અંગે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મધ્યાહન ભોજન યોજનાના કમિશનરને પત્ર લખીને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મંડળે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં વેકેશન દરમિયાન પણ બંને યોજનાઓનો લાભ બાળકોને મળતો રહે તેવી માગ કરી છે.
બાળકોને પોષણયુક્ત ભોજન અને દૂધ મળી રહે તે જરૂરી
મંડળની રજૂઆત મુજબ, આ ચાર જિલ્લાઓમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજાઓ દરમિયાન પણ બાળકોને પોષણયુક્ત ભોજન અને દૂધ મળી રહે તે જરૂરી છે. વેકેશનના સમયગાળામાં યોજનાઓ બંધ રાખવામાં આવે તો જરૂરિયાતમંદ બાળકોને પોષણનો લાભ મળવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી વેકેશન દરમિયાન પણ પીએમ પોષણ યોજના અને દૂધ સંજીવની યોજના કાર્યરત રાખવા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો અમલ કરવા રાજ્ય સરકારને મંડળે કરી રજૂઆત
આ ઉપરાંત વેકેશન દરમિયાન બંને યોજનાઓ ચાલુ રાખીને ફરજ બજાવતા મધ્યાહન ભોજનના સંચાલકો અને કર્મચારીઓને માનદ વેતન ફાળવવાની પણ રજૂઆત કરવામાં આવી છે. મંડળનું કહેવું છે કે યોજનાઓ ચાલુ રાખવામાં આવે તો તેમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ તેમની કામગીરીનું યોગ્ય વળતર મળવું જોઈએ. ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરભાઈ જોષીએ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનો અમલ કરવાની પણ રાજ્ય સરકારને અપીલ કરી છે. હવે આ રજૂઆત બાદ રાજ્ય સરકાર અને મધ્યાહન ભોજન યોજનાના કમિશનર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર ચારેય જિલ્લાના બાળકો, વાલીઓ અને યોજનાના કર્મચારીઓની નજર રહેશે.




