Navsari News: વાંસદામાં મંત્રી કુંવરજી બાવળિયાનો 72 કલાકનો પ્રવાસ, આદિવાસી વિસ્તારોના વિકાસકાર્યોની સમીક્ષા કરાશે

Navsari News: નવસારીના વાંસદામાં મંત્રી કુંવરજી બાવળિયાએ 72 કલાકના પ્રવાસ દરમિયાન ગામડાઓની મુલાકાત લઈ પાયાની સુવિધાઓ અને સરકારી યોજનાઓની સ્થિતિ જાણી.
Kunjan Shukal
Kunjan Shukal
મંત્રી કુંવરજી બાવળિયાએ ગામડાઓની મુલાકાત લીધીમંત્રી કુંવરજી બાવળિયાએ ગામડાઓની મુલાકાત લીધી

મંત્રી કુંવરજી બાવળિયાએ ગામડાઓની મુલાકાત લીધી

Navsari News: નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભા મતવિસ્તારમાં રાજ્ય સરકારના 72 કલાકના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત મંત્રી કુંવરજી બાવળિયાનો પ્રવાસ ચાલી રહ્યો છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ આદિવાસી વિસ્તારોમાં વિકાસકાર્યોની સ્થિતિ જાણવી અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે.

આગેવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો

પ્રવાસ દરમિયાન મંત્રી કુંવરજી બાવળિયાએ વિવિધ ગામડાઓ અને ફળિયાઓની મુલાકાત લઈ સ્થાનિક પરિવારો, આગેવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન પીવાના પાણી, રસ્તા, સિંચાઈ, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ અંગે સ્થાનિક લોકો પાસેથી વિગતો મેળવી હતી. ગામડાઓની મુલાકાત દરમિયાન અનેક સ્થળોએ રસ્તા અને પીવાના પાણી સહિતની સુવિધાઓને લઈને ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારના પ્રશ્નો અને જરૂરી વિકાસકાર્યો અંગે મંત્રીનું ધ્યાન દોર્યું હતું.

પ્રશ્નો અને વિકાસકાર્યોની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવશે

આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને વાંસદા પ્રાંત કચેરી ખાતે વિકાસકાર્યો અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક યોજવામાં આવશે. બેઠકમાં સ્થાનિક સ્તરે સામે આવેલા પ્રશ્નો અને વિકાસકાર્યોની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવશે. મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે. જે પ્રશ્નોનું સ્થાનિક સ્તરે નિરાકરણ શક્ય બન્યું નથી, તે અંગે મુખ્યમંત્રી સાથે બેઠક કરીને પાયાની સુવિધાઓ ઊભી કરવા જરૂરી પ્રયાસો કરવામાં આવશે.

આ પ્રવાસ દરમિયાન મંત્રીએ એક કાર્યકરના ઘરે જઈ તેમના ખબરઅંતર પણ પૂછ્યા હતા. ગ્રામજનો સાથે સીધો સંપર્ક સાધીને તેમની સમસ્યાઓ જાણવાની આ પહેલને આદિવાસી વિસ્તારોના વિકાસકાર્યોની સમીક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Vadodara News: વડોદરા નજીકથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરાયો, 14 દિવસના રિમાન્ડ મંજૂર