Kadi Ancient Stepwell: કડીના ભવનાથ મહાદેવ મંદિર પાસે પૌરાણિક વાવ મળી હોવાની ચર્ચા, સફાઈ દરમિયાન પગથિયાં અને ભોંયરું દેખાયું

Kadi Ancient Stepwell: કડીના ભવનાથ મહાદેવ મંદિર પાસે સફાઈ દરમિયાન પગથિયાં અને ભોંયરું મળી આવતાં પૌરાણિક વાવ હોવાની ચર્ચા શરૂ થઈ છે.
Kunjan Shukal
Kunjan Shukal
પૌરાણિક વાવ હોવાની ચર્ચા શરૂ થઈપૌરાણિક વાવ હોવાની ચર્ચા શરૂ થઈ

પૌરાણિક વાવ હોવાની ચર્ચા શરૂ થઈ

Kadi Ancient Stepwell: કડી શહેરમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર પાસે સફાઈ કામગીરી દરમિયાન પૌરાણિક વાવ હોવાની સંભાવના સામે આવતા વિસ્તારમાં ભારે કુતૂહલ સર્જાયું છે. મંદિર નજીક સફાઈ દરમિયાન જમીનની અંદરથી પગથિયાં અને ભોંયરા જેવી રચના મળી આવતા લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ સ્થળે ખરેખર પૌરાણિક વાવ આવેલી છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થવા લાગ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, કડીના ભવનાથ મહાદેવ મંદિર પાસે સફાઈની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જમીનની અંદર દટાયેલા પગથિયાં અને ભોંયરા જેવી રચના નજરે પડતાં સફાઈ કરી રહેલા લોકોનું ધ્યાન તેના તરફ ગયું હતું. ત્યારબાદ આ સમાચાર આસપાસના વિસ્તારમાં ફેલાતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થવા લાગ્યા હતા.

ઘટનાની જાણ થતાં કડી નગરપાલિકા અને મામલતદાર કચેરીના તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લઈ તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક નિરીક્ષણમાં જૂની બાંધકામ જેવી રચના જોવા મળી છે. જોકે, તેની વાસ્તવિક ઓળખ અને ઐતિહાસિક મહત્ત્વ જાણવા માટે વધુ તપાસ જરૂરી છે.

પુરાતત્વ વિભાગ કરશે તપાસ

આ અંગે સંબંધિત તંત્ર દ્વારા પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવશે, જેથી સ્થળનું નિરીક્ષણ કરીને આ રચના પૌરાણિક વાવ છે કે અન્ય કોઈ ઐતિહાસિક બાંધકામ છે તે અંગે સ્પષ્ટતા થઈ શકે. બીજી તરફ, આ સમાચારને પગલે મંદિર પાસે લોકોની ભારે ભીડ એકત્ર થતાં હાલ સફાઈ કામગીરી અટકાવવાની ફરજ પડી છે. મંદિરના પૂજારીએ લોકોને અપીલ કરી છે કે સ્થળ પર ખોટી અફવાઓ ફેલાવવી નહીં અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી બિનજરૂરી ભીડ એકત્ર કરવી નહીં. હાલ આ સમગ્ર મામલે પુરાતત્વ વિભાગની તપાસ બાદ જ આ રહસ્યમય રચનાની હકીકત સામે આવશે.

આ પણ વાંચો: Ahmedabad Warehouse Theft: અમદાવાદમાં રૂપિયા 1 કરોડની Apple પ્રોડક્ટ્સની ચોરીનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના 5 આરોપી ઝડપાયા